વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ્ટ મેકઅપનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ ફાઉન્ડેશનના ઉપક્રમે તારીખ ૧૭ ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ કક્ષાનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં નિધિ પ્રોડક્ટની મેકઅપ સહિતની અન્ય પ્રોડક્ટ યુઝ કરતા ગુજરાત સહિત દેશભરના મેકઅપ આર્ટિસ્ટોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ્સ વિતરણ સમારોહમાં જાણીતી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને મેકઅપ, હેરને લગતાં મોટા માસ્ટર સેલિબ્રિટીઓ જેવા કે ઉત્તમ પારેખ (હેર સ્ટાઈલ) અને પરમેનન્ટ મેકઅપ અને હેર આર્ટિસ્ટ જાગૃતિ પરમાર સહિત દેશની અનેક જાણીતી સેલિબ્રિટી હાજર રહી હતી.
એવોર્ડ સમારોહમાં કપડવંજ શિવશક્તિ સોસાયટીમાં સખી બ્યુટી કેર ધરાવતાં મોના તૃષારભાઈ પટેલને મેકઅપ ફીલ્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિશિષ્ટ સન્માન ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી રુપાલી ગાંગુલી (અનુપમા ટીવી સિરિયલની એક્ટ્રેસ) ના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું . પ્રસ્તુત તસવીરમાં મોના કા.પટેલ સાથે રૂપાલી ગાંગુલી દૃશ્યમાન થાય છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મોના પટેલને બ્યુટી પાર્લરની શ્રેષ્ઠ કામગીરી માટે આ અગાઉ ગત ઓગસ્ટ મહીનામાં એશિયન બીગેસ્ટ એવોર્ડ ઈન્ટરનેશનલ માસ્ટર ક્લાસમાં પ્રખ્યાત અભિનેત્રી યેશા દેઓલના હસ્તે અમદાવાદ ખાતે પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બેસ્ટ મેકઅપનો એવોર્ડ મેળવી જ્ઞાતિ તથા કપડવંજનું ગૌરવ વધારનાર મોના પટેલને શહેરના વિવિધ અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો તથા સમાજના આગેવાનો અને મહિલાઓએ અભિનંદન પાઠવ્યા હતાં.