નવા વર્ષની શરૂઆતમાં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે સંબંધોમાં કડવાશ આવવાના એંધાણ મળ્યા છે. સ્વિસ સરકારે ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ નિર્ણય 2023માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાને ટાંકીને લેવામાં આવ્યો છે.
સ્વિસ સરકારે કેમ લીધો નિર્ણય
શુક્રવારે સ્વિસ સરકારે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેતાં જણાવ્યું હતું કે, ગતવર્ષે સ્વિસ કંપની નેસ્લે સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, દેશમાં ડબલ ટેક્સ અવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) ત્યાં સુધી લાગુ કરવામાં નહીં આવે, જ્યાં સુધી તેને ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ નોટિફાઈ કરવામાં ન આવે.
ડીટીએએ એક પ્રકારનો કરાર છે. જેનો ઉપયોગ વિદેશી કંપનીને બમણા ટેક્સના ભારણમાંથી મુક્તિ માટે થાય છે. એક દેશની કંપની બીજા દેશમાં રોકાણ-વેપાર કરી રહી હોય તો તેણે બંને દેશોમાં ટેક્સ ચૂકવવો પડતો નથી. જેમાં આ કંપનીઓએ પહેલાં કેન્દ્ર સરકારને ટીડીએએ હેઠળ ઈનકમ ટેક્સ કાપવા જાણ કરવી પડશે, ત્યારબાદ જ તેને સ્વિસ સરકારના ટેક્સમાં છૂટ મળી શકે છે. જ્યાં સુધી કેન્દ્રને જાણ ન કરે ત્યાં સુધી વધુ ટેક્સ ચૂકવવો પડશે. જેના લીધે સ્વિટ્ઝર્લેન્ડે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જામાંથી બહાર કર્યો છે. હવે ત્યાં કામ કરનારી ભારતીય કંપનીઓએ 10 ટકા વધુ ટેક્સ ચૂકવવો પડશે.
નેસ્લેએ કરી હતી માગ
સ્વિટ્ઝર્લેન્ડની કંપની નેસ્લેએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે, ભારતે ઘણા દેશોને ટેક્સમાં મોટાપાયે છૂટ આપી છે, એફએસએન હેઠળ તેને પણ આ છૂટ આપવી જોઈએ. પરંતુ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, નેસ્લેને આ લાભ એમએફએન હેઠળ મળી શકે નહીં. તેના માટે તેણે સરકાર સમક્ષ અલગથી નોટિફેકશન રજૂ કરવુ પડશે. ત્યારબાદ જ તેને આ લાભ મળી શકે છે.
દેશમાં 300થી વધુ સ્વિસ કંપનીઓ
ભારતમાં હાલ 300થી વધુ સ્વિસ કંપનીઓ કાર્યરત છે. જે દોઢ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. જેમાં બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી ઉપરાંત અન્ય સેક્ટર પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પણ 140થી વધુ ભારતીય કંપનીઓએ રોકાણ કર્યું છે. જેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો દૂર થતાં આ કંપનીઓ પર બોજો વધશે. તેમજ બને દેશો વચ્ચે વેપાર સંબંધો પણ બગડી શકે છે.