આલ્કોહોલયુક્ત દવાઓના નશા તરીકે થતા ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને 12 ટકાથી વધુ ઇથાઈલ આલ્કોહોલ ધરાવતી અને 30 મિલીલીટરથી મોટી બોટલમાં વેચાતી તમામ ઓરલ દવાઓને શેડ્યૂલ H1 (Schedule H1) હેઠળ સામેલ કરી છે.
આ નવા નિયમ બાદ આવી દવાઓ હવે ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ દવાઓના દુરુપયોગને રોકવાનો અને જાહેર આરોગ્યને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
કફ સિરપ અને ટોનિકના દુરુપયોગ પર સરકારની કડક કાર્યવાહી
દેશભરમાં લાંબા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે કેટલીક કફ સિરપ અને ટોનિકમાં રહેલા ઊંચા પ્રમાણના આલ્કોહોલનો ઉપયોગ કેટલાક લોકો નશા માટે કરી રહ્યા હતા. મેડિકલ સ્ટોરમાંથી સરળતાથી મળતી આવી દવાઓના ગેરકાયદેસર ઉપયોગને કારણે દવાઓની હેરાફેરી અને નશાખોરીના કેસોમાં પણ વધારો નોંધાયો હતો.
આ ઉપરાંત અગાઉ કેટલાક રાજ્યોમાં કફ સિરપ સાથે જોડાયેલા ગંભીર બનાવો અને બાળકોના મોતના કેસો પણ ચર્ચામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડ્રગ કન્સલ્ટેટિવ કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની ભલામણ બાદ કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.
શેડ્યૂલ H1 શું છે?
શેડ્યૂલ H1 ભારતના ડ્રગ્સ અને કોસ્મેટિક્સ કાયદા હેઠળની એવી વિશેષ શ્રેણી છે જેમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેના વેચાણ અને ઉપયોગ પર સરકાર ખાસ દેખરેખ રાખે છે.
આ શ્રેણીમાં સામાન્ય રીતે એન્ટીબાયોટિક્સ અને અન્ય હાઈ-રિસ્ક દવાઓનો સમાવેશ થાય છે. હવે આલ્કોહોલનું ઊંચું પ્રમાણ ધરાવતી કેટલીક પીવાની દવાઓ પણ આ યાદીમાં ઉમેરવામાં આવી છે.
મેડિકલ સ્ટોરે રાખવો પડશે ત્રણ વર્ષનો રેકોર્ડ
નવા નિયમ મુજબ મેડિકલ સ્ટોર સંચાલકોને આવી દવાઓ વેચતી વખતે ખરીદનારનું નામ, ડૉક્ટરનું નામ, પ્રિસ્ક્રિપ્શનની વિગતો અને વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ અલગ રજિસ્ટરમાં નોંધવો ફરજિયાત રહેશે.
આ રેકોર્ડ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સાચવી રાખવો પડશે જેથી જરૂર પડ્યે તેની તપાસ થઈ શકે.
દર્દીઓ માટે શું બદલાશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ દવાઓ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જેમને ખરેખર સારવાર માટે આવી દવાઓની જરૂર છે તેઓ માન્ય ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે સરળતાથી દવા મેળવી શકશે.
સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય દર્દીઓને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ સાથે જ આલ્કોહોલયુક્ત દવાઓનો નશા તરીકે થતો દુરુપયોગ સંપૂર્ણપણે રોકવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel