રાજકોટ શહેર ફરી એકવાર ગોળીબાર અને હત્યાની ઘટનાથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાનામવા રોડ, મોકાજી સર્કલ નજીક નાનામૌવા ગામતળ શેરી નં. 4માં 8 જુલાઈની મોડી રાત્રે સામાન્ય બોલાચાલી જીવલેણ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ગેરકાયદેસર પિસ્તોલથી કરવામાં આવેલા પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગમાં 32 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના પિતરાઈ દાદા રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા છે.
સામાન્ય બોલાચાલી બાદ બોલાવ્યા પિતા અને ભાઈ
પોલીસ માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા કૃષ્ણસિંહ જાડેજા પોતાના ઘર બહાર ઉભા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે બુલેટ મોટરસાયકલ ચલાવી રહેલા એક સગીર સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ ઘટના બાદ સગીરે પોતાના મોટા ભાઈ રાજવીર વાળા અને પિતા રણજીત વાળાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા. થોડા જ સમયમાં ત્રણેય સ્વિફ્ટ કારમાં હથિયારો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4થી 5 રાઉન્ડ ફાયરિંગ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સ્થળ પર ઉગ્ર બોલાચાલી શરૂ થતાં જ મુખ્ય આરોપી રણજીત વાળાએ કમરમાંથી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી કૃષ્ણસિંહ જાડેજા પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી અંદાજે 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગોળી વાગતાં કૃષ્ણસિંહ ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન તેમને બચાવવા માટે વચ્ચે પડેલા 72 વર્ષીય રહેન્દ્રસિંહ જાડેજાના માથામાં પણ પિસ્તોલના કુંદાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
કૃષ્ણસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક પોતાના પાછળ પત્ની તેમજ નાની ઉંમરના દીકરા અને દીકરીને છોડી ગયા છે.
CCTV ફૂટેજથી ખુલ્યો સમગ્ર ભેદ
હત્યાની સમગ્ર ઘટના આસપાસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે શહેરના તમામ એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ અમરેલી તરફ ભાગી રહ્યા હતા.
રાજકોટ-ભાવનગર હાઇવે પરથી આરોપીઓ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે પીછો કરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીકથી મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં સંડોવાયેલા સગીરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુનાઓ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રણજીત વાળા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ઘટનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર જપ્ત કરી છે તેમજ ગેરકાયદેસર પિસ્તોલ ક્યાંથી મેળવવામાં આવી હતી તે અંગે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel