હવે અમેરિકા જવું અને ત્યાં રહેવું બંને મુશ્કેલ બની ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે હંમેશા પોતાનું ઓળખપત્ર ખિસ્સામાં રાખવું પડશે. આ નિયમ કાયદેસર રીતે રહેતા, કામ કરતા અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ચાલો સમજીએ કે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે હવે કેવા પ્રકારના પડકારો વધી ગયા છે.
ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ શું ?
આ નિર્ણય યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય એક કોર્ટના તે આદેશ બાદ આવ્યો છે જેમાં ટ્રમ્પના સમયના નિયમને પુનઃસ્થાપિત કરવાની વાત કરવામાં આવી હતી. આ નિયમ કહે છે કે જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તેમને સરકારમાં પોતાના નામ નોંધાવવા પડશે. હવે આ નિયમ નવેસરથી લાગુ થવા જઈ રહ્યો છે.
18 વર્ષથી વધુ ઉંમરના દરેક બિન-અમેરિકનો પર લાગુ
આ નવા નિયમ મુજબ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક બિન- અમેરિકન નાગરિકે હંમેશા પોતાનું ઓળખપત્ર સાથે રાખવું પડશે. DHSએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નિયમનો કડક અમલ કરવામાં આવશે અને તેનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ છૂટ આપવામાં નહીં આવે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. DHSએ એમ પણ કહ્યું છે કે તેઓ આ નિયમ પર વધુ ધ્યાન આપશે અને તેનો કડક અમલ કરશે. જે 18 વર્ષથી વધુ ઉંમરના દરેક બિન-અમેરિકનોને લાગુ પડશે.
જરૂરી દસ્તાવેજો ન હોય તો શું કરવું
નવા નિયમો મુખ્યત્વે એવા લોકોને લાગુ પડે છે જેમની પાસે USAમાં રહેવા માટે જરૂરી દસ્તાવેજો નથી. 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને 30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહેતા તમામ બિન અમેરીકન-નાગરિકોએ ફોર્મ G-325R ભરીને સરકારમાં પોતાના નામ નોંધાવવા પડશે. ઇમિગ્રન્ટ્સના બાળકોએ પણ 14 વર્ષના થયાના 30 દિવસની અંદર ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે અને તેમના ફિંગરપ્રિન્ટ્સ આપવાના રહેશે.
સરનામું બદલાય તો નવી માહિતી આપવી પડશે
આ સિવાય જે લોકો 11 એપ્રિલ બાદ અમેરિકા આવી રહ્યા છે, તેમને આગમનના 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. જો કોઈ વ્યક્તિ પોતાનું સરનામું બદલે છે તો તેને 10 દિવસની અંદર DHSને નવા સરનામા વિશે જાણ કરવી પડશે. આ નિયમનો ભંગ કરવા પર 5,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે.
આ લોકો પર લાગુ પડશે નહીં
આ નિયમ એવા લોકોને લાગુ નહીં પડે જેમાં જેમની પાસે પહેલાથી જ વેલિડ વિઝા છે. જેમ કે સ્ટુડન્ટ વિઝા અથવા વર્ક વિઝા પરના લોકો, અથવા જેમની પાસે ગ્રીન કાર્ડ, રોજગારના ડોક્યુમેન્ટ અથવા I-94 એડમિશન રેકોર્ડનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ લોકોએ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. મતલબ કે, જે ભારતીય નાગરિકો વેલિડ વિઝા અથવા ગ્રીન કાર્ડ સાથે અમેરિકામાં રહે છે તેમને નવા નિયમો હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. પણ તેમને હંમેશા પોતાના ઓળખપત્ર સાથે રાખવા પડશે અને અધિકારીઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે તે બતાવવા પડશે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે 7 લાખ ભારતીયો
DHS ડેટા મુજબ 2022 સુધીમાં લગભગ 2.2 લાખ ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. પ્યુ રિસર્ચ સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ આ સંખ્યા 7 લાખ જેટલી હોવાનો અંદાજ લગાવે છે, જ્યારે માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ આ સંખ્યા 3.75 લાખ જેટલી હોવાનો અંદાજ લગાવે છે.
અમેરિકામાં દેખરેખનું સ્તર વધ્યું
આ નવો નિયમ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ સમુદાય માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે. ખાસ કરીને એવા લોકો માટે જેમની પાસે અમેરિકામાં રહેવાની કાયદેસર પરવાનગી નથી. તેનાથી તેમના માટે પેપર વર્ક અને દેખરેખનું વધુ એક સ્તર એડ થશે. આ પોલિસી પ્રાઈવેસી, નાગરિક અધિકારો અને દેશભરના ઇમિગ્રન્ટ સમુદાયો પર તેની વ્યાપક અસર વિશે ચર્ચા શરૂ કરે તેવી શક્યતા છે.