દેશમાં અવાર-નવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહે છે કે, 10 અને 20 રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે. જોકે, હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે 10 અને 20 ના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે. આ જવાબમાં લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો તેમજ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયે આપ્યો જવાબ
નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેશમાં હાલ 10 રૂપિયાના કેટલાં સિક્કા અને નોટ ચાલી રહ્યા છે? જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે. 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે. વળી, 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં 79,502 લાખ 10 રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે, જેની કિંમત 7950 કરોડ રૂપિયા છે.
હજુ પણ છપાય છે 20 રૂપિયાની નોટ
આ સિવાય નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો કે, શું દેશમાં 20 રૂપિયાની નવી નોટ છાપવા પર રોક લગાવવામાં આવી છે? આ સવાલનો જવાબ આપતાં નાણાં મંત્રાલયે કહ્યું કે, આ સત્ય નથી. એટલે સ્પષ્ટ છે કે, ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે, તે સંપૂર્ણપણે ભ્રામક છે.
20 રૂપિયાનો સિક્કો પ્રથમવાર 2020માં રજૂ કરવામાં આવ્યો હતો. આ સિક્કો તેની વિશિષ્ટ 12 ધારવાળી (Dodecagon) આકારની ડિઝાઇન માટે ચર્ચામાં રહ્યો હતો.
20 રૂપિયાના સિક્કાની વિશેષતાઓ:
- આકાર: 12 ધારવાળો (Dodecagon)
- વજન: 8.54 ગ્રામ
- વ્યાસ: 27 મીમી
- લોગો: સિક્કા પર અનાજની આકૃતિ છે, જે કૃષિ પ્રભુત્વ દર્શાવે છે.