અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકાંઠાના દાંતા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને સમગ્ર રેકેટની ઊંડી તપાસ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે બહાર પાડેલા આ મસમોટા બાળ તસ્કરી રેકેટમાં નિઃસંતાન દંપતીઓની સંતાન મેળવવાની લાગણીઓનો દુરુપયોગ કરીને લાખો રૂપિયા વસૂલવામાં આવતા હતા. ટોળકી ખાસ કરીને આર્થિક રીતે સદ્ધર દંપતીઓને નિશાન બનાવતી અને ‘નોન-રિફંડેબલ’ એડવાન્સના નામે મોટી રકમ વસૂલતી હતી. અગાઉ પોલીસે ત્રણ એજન્ટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 15 દિવસનું નવજાત બાળક પણ સુરક્ષિત રીતે છોડાવ્યું હતું. સાથે જ બનાસકાંઠાના મુખ્ય સપ્લાયર યુનુસ સિંધિને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન હવે ગોવિંદભાઈ લુમ્બાભાઈ ગમાર અને પ્રભુ દેવરાની સંડોવણી સામે આવી છે. અગાઉ પકડાયેલા આરોપી યુનુસ ખાને આ બંને પાસેથી જ બાળક મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. માહિતી અનુસાર, આરોપી વંદના પંચાલે યુનુસ પાસેથી નવજાત બાળક રૂપિયા 3.60 લાખમાં ખરીદ્યું હતું અને તેને હૈદરાબાદના નાગરાજ નામના વ્યક્તિને રૂપિયા 4 લાખમાં વેચવાની યોજના હતી. યુનુસ અગાઉ પણ કાલુપુર પોલીસ સ્ટેશનમાં બાળક ઉઠાવવાના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાથી આ કેસ વધુ ગંભીર બન્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેકેટ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચાલતું હતું. એજન્ટો ગરીબ અથવા આર્થિક રીતે મજબૂર માતા-પિતાને શોધી તેમની પાસેથી દોઢેક લાખ રૂપિયામાં નવજાત બાળકો ખરીદતા હતા. ત્યારબાદ બાળકોની સંભાળ રાખીને તેમના ફોટા અને માહિતી એજન્ટોના નેટવર્કમાં શેર કરવામાં આવતી હતી. નિઃસંતાન દંપતી પાસેથી બાળક દીઠ 10થી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. સોદો નક્કી થયા બાદ દંપતી બાળક પસંદ ન કરે તો પણ એડવાન્સ રકમ પરત આપવામાં આવતી નહોતી.
પોલીસ હાલ ગોવિંદ અને પ્રભુની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે અને તેમને આ સોદામાં કેટલો નફો મળવાનો હતો તેમજ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ કેસ સામે આવતા રાજ્યમાં બાળ સુરક્ષા અને ગેરકાયદેસર દત્તક પ્રક્રિયાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel