ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જનાધાર વધારવા માગે છે. તેના ભાગરૂપે તે લઘુમતિ સમાજને સાથે લેવા પ્રયત્નશીલ છે. ભાજપ લઘુમતિ મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની સ્થિતિમાં બહુ મોટો સુધારો કરી દીધો છે. તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, તેમની શૈક્ષણિક સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે, તેથી મુસ્લીમ સમાજ હવે દેશની મુખ્ય ધારા સાથે જોડાઈ ગયો છે, તેઓને ડર નથી રહ્યો, ગુંડારાજથી મુક્તિ મળી છે. હવે કોંગ્રેસ, સપા, બસવા, આપ, રાજદ કે તૃણમૂલ જેવા પક્ષોનો પર્દાફાશ થઇ ગયો છે.
તેઓએ વધુમાં કહ્યું કે મુસ્લીમ સમાજને જે પ્રકારના નેતાની જરૂર હતી, તેવા નેતા તેને નરેન્દ્ર મોદી તરીકે મળી ગયા છે. તેઓએ મહિલાઓને ત્રણ તલ્લાકમાંથી મુક્તિ આપી છે. મુસ્લીમ સમાજે ખાસ કરીને બહેનોએ હવે નારા શરૂ કર્યા છે ‘ન દૂરી હૈ ન ખાઈ હૈ મોદી હમારા ભાઈ હૈ’
ભાજપે લોકસભાની એવી ૬૫ સીટો તારવી છે જ્યાં મુસ્લીમ મતદારો ૩૫ ટકાથી વધુ છે. તેમાં સૌથી વધુ ઉ.પ્ર.માં ૧૪ સીટો છે, પ.બંગાળમાં ૧૩ સીટો, કેરળ ૮, આસામ ૭, જ.કા.૫, બિહાર ૪, મ.પ્ર. ૩ અને દિલ્હી, ગોવા, હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની ૨-૨ લોકસભાની સીટો તે લીસ્ટમાં છે. જ્યારે તમિલનાડુની ૧ સીટ છે કે જે ઉક્ત મુસ્લીમ બહુમતિવાળી ૬૫ સીટોમાં સામેલ છે.
જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે આ મોર્ચો મોદી સરકારની સફળતાઓની વાત મુસ્લીમ સમાજમાં કહી રહ્યા છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આ મોર્ચો સતત મુસ્લીમ સમાજમાં મોદી સરકારની સિદ્ધીઓની હક્કીત કહી રહ્યો છે. આ મોર્ચાઓ યુવા સ્નેહ સંવાદ, મહિલા સ્નેહ સંવાદ, મોદી સ્નેહ સંવાદ, સદ્ભાવ સ્નેહ સંવાદ દ્વારા તેમજ બુથ પ્રમુખ સ્નેહ સંવાદ અને મોદી મિત્ર જેવા કાર્યક્રમો દ્વારા અને વિધાનસભાઓની બૂથસ્તર સુધી પહોંચી દેશભરમાં આવા ૨૨,૭૦૦ કાર્યક્રમો યોજ્યા છે. તેમાં ૧,૪૬૮થી વધુ વિધાનસભા ક્ષેત્રો આવરી લેવાયાં છે. દેશભરમાંથી મળીને ૧૮ લાખ ૪૦૦ વ્યક્તિ મોદી મિત્ર બની છે. દરેક જિલ્લામાં સૂફી સમાજ સાથે સંલગ્ન વ્યક્તિઓની સંખ્યા પણ વધી છે. તેમ પણ સીદ્દીકીએ જણાવ્યું હતું.