લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) ધ્યાનમાં રાખીને, વિપક્ષી છાવણીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી NDA વિરુદ્ધ I.N.D.I.A. ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતાઓ શરૂઆતથી જ મજબૂત પ્રાદેશિક રાજકીય પક્ષોના આ જૂથ પર પ્રહારો કરી રહ્યા છે. હવે આ હુમલાને વધુ વેગ આપવાની તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાતનો સંકેત આપ્યો છે.
ભાજપ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ને ‘ઘમંડિયા’ ગઠબંધન તરીકે રજૂ કરવાનું વિચારી રહી છે. ભાજપ વિપક્ષી ગઠબંધનને ‘ઘમંડિયા’ તરીકે રજૂ કરીને ભવિષ્યમાં ઝુંબેશ ચલાવી શકે છે. પાર્ટીને આ અંગે સૂચનો મળ્યા છે. પાર્ટી તરફથી મળી રહેલા સૂચનો વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
ભાજપનો વિપક્ષના આ ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ
બિહારના સાંસદો સાથેની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમને એવા સૂચનો અને પત્રો મળી રહ્યા છે કે વિપક્ષી જૂથ ઈન્ડિયાનું નામ ઈન્ડિયા નહીં પણ ‘ઘમંડિયા’ હોવું જોઈએ. ભાજપ શરૂઆતથી જ વિપક્ષના આ ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં તેમને સૂચનોના રૂપમાં ‘ઘમંડિયા’ શબ્દ મળ્યો છે. જેનો તેઓ ભવિષ્યમાં ઉપયોગ કરી શકશે.
PM મોદી NDA ના તમામ સાંસદોને મળી રહ્યા છે
PM નરેન્દ્ર મોદીએ 3 ઓગસ્ટે બિહારના સાંસદો સાથેની બેઠકમાં આ સૂચન પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી આગામી થોડા દિવસોમાં NDAમાં સામેલ તમામ પાર્ટીઓના તમામ 430 સાંસદોને મળવાના છે. પીએમ તેમને 30 થી 35 સાંસદોના જૂથમાં વહેંચીને અલગ-અલગ બેઠકો કરી રહ્યા છે.
વડાપ્રધાને 31મી જુલાઈથી આ રાઉન્ડની બેઠકો શરૂ કરી છે. આ બેઠકો હેઠળ, તેઓ બેઠક મુજબ સાંસદોને મળી રહ્યા છે અને તેમને જનતા સાથે જોડવાનો મંત્ર આપી રહ્યા છે. તેમજ જનતા સાથે તેમનો સંપર્ક કેવી રીતે મજબૂત કરવો તે અંગેના સૂચનો પણ આપ્યા. જેથી આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધન વધુ બેઠકો જીતી શકે.
આગામી બેઠક 8મી ઓગસ્ટે યોજાશે
NDAના સાંસદોની મુલાકાતના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની આગામી બેઠક 8મી ઓગસ્ટે યોજાવાની છે. આ બેઠકમાં રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રના 76 લોકસભા અને રાજ્યસભા સાંસદો વડાપ્રધાન મોદીને મળશે. PM મોદી 9 ઓગસ્ટે ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના 81 સાંસદો સાથે બેઠક કરશે.