ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલને કારણે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વડોદરા અને અમદાવાદ શહેરની અનેક સ્કૂલો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
વડોદરાની સ્કૂલોમાં બોમ્બની ધમકી બાદ તાત્કાલિક કાર્યવાહી
વડોદરા શહેરની ઉર્મિ સ્કૂલ, ડી.આર. અમીન સ્કૂલ, નાલંદા સ્કૂલ, જીવનસાધના સ્કૂલ, શનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી હતી. ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી.
ધમકીની માહિતી મળતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલ કેમ્પસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખવામાં આવી છે.
અમદાવાદમાં 16 જેટલી સ્કૂલો અને કોલેજોને ધમકીભર્યા ઈમેઈલ
અમદાવાદમાં વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારોમાં આવેલી લગભગ 16 જેટલી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને ધમકીભર્યા ઈમેઈલ મળતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ધમકી મળેલાં સંસ્થાઓમાં તુલીપ સ્કૂલ (બોપલ), SGVP ગુરુકુળ, સિલ્વર બેલ સ્કૂલ, નિરમા યુનિવર્સિટી, AG હાઈ સ્કૂલ, JG ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાનગર સ્કૂલ, દિવાન બલ્લુભાઈ સ્કૂલ, CN સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ (બાપુનગર), એશિયા સ્કૂલ, DAV સ્કૂલ, એ વન સ્કૂલ, અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ (નવરંગપુરા) અને ઘોડાસરની જીવીબા સ્કૂલનો સમાવેશ થાય છે.
ધમકી મળતાં જ ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. DAV સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હોવાને કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી છે અને વાલીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. સ્કૂલ કેમ્પસની બહાર સુરક્ષા કોર્ડન ગોઠવવામાં આવ્યું છે અને વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પહોંચતા જોવા મળ્યા છે.
અગાઉ પણ મળી હતી ધમકી, તપાસ તેજ
માહિતી મુજબ, 23 જાન્યુઆરી 2026એ પણ અમદાવાદની જાણીતી સ્કૂલોને આવી જ ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. ત્યારે સંત કબીર સ્કૂલની વિવિધ બ્રાન્ચ, DPS બોપલ, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ધમકીના મેલમાં વિવાદાસ્પદ લખાણ પણ હોવાનું સામે આવ્યું હતું.
ડિસેમ્બર મહિનામાં કલેક્ટર કચેરીને પણ મળી હતી ધમકી
આ પહેલાં ડિસેમ્બર મહિનામાં વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને પણ નનામા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા કચેરી ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
હાલમાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ધમકીભર્યા ઈમેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે ટેક્નિકલ તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ લોકોને ગભરાશો નહીં પરંતુ સાવચેતી રાખવા અપીલ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel