આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે (Vijender Kumar) આજે કોંગ્રેસ (Congress)ને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ પહેરાવાયો છે. કોંગ્રેસે ત્રીજી માર્ચે મથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી. જોકે હવે તે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયો છે. મુક્કેબાજીમાં વિજેન્દ્રને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ મળેલો છે.
ભાજપ મહાસચિવ તાવડેએ કહ્યું કે, ‘વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો છે. તેમના આવવાથી પાર્ટી વધુ મજબૂત થશે અને લક્ષ્ય તરફ આગળ વધશે.’ જ્યારે વિજેન્દ્રએ કહ્યું કે, ‘મારી ઘરવાપસી થઈ છે, ખૂબ સારુ લાગી રહ્યું છે. દેશ-વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે, ત્યારથી ખેલાડીઓને ફાયદો થયો છે. હું પહેલાવાળો જ વિજેન્દ્ર છું. ખોટાને ખોટો કહીશ અને સાચાને સાચો કહીશ.’
#WATCH | Boxer & Congress leader Vijender Singh joins BJP at the party headquarters in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/5fqOt9KIcp
— ANI (@ANI) April 3, 2024
વિજેન્દ્ર 2019માં કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યો હતો
વિજેન્દ્રએ વર્ષ 2019માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કોંગ્રેસે તેને દિલ્હી દક્ષિણની બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો, જોકે ભાજપના ઉમેદવાર રમેશ બિધૂડી સામે તેની હાર થઈ હતી. બિધૂડીને 6 લાખ 87 હજારથી વધુ મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને ત્રણ લાખ 19 હજાર અને વિજેન્દ્રને 1 લાખ 64 હજાર મત મળ્યા હતા.