બ્રિટનમાં મોટા પાયે ગાઝા તરફી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે બ્રિટનના ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેન દેખાવકારો પર ભડકયા છે. તેમણે આ દેખાવોને નફરતની માર્ચ ગણાવીને કહ્યુ છે કે, ધૃણાથી ભરેલા તત્વો સાથે કામ પાર પાડવા માટે જરુર પડે તો આતંકવાદ વિરોધી કાયદો લાગુ પાડવામાં પણ હું સંકોચ નહીં રાખું.
આ પહેલા બ્રેવરમેને બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે એક બેઠક પણ યોજી હતી. તેમણે પોલીસને અપીલ કરી હતી કે, યહૂદી વિરોધી દેખાવો સામે કડક હાથે કામ લેવાનુ વલણ અપનાવો. મારા મતે તો પેલેસ્ટાઈનના સમર્થનમાં થઈ રહેલા દેખાવો નફરત ફેલાવવા માટે નીકળી રહેલી રેલીઓ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે જોયુ છે કે, હમાસ દ્વારા યહૂદીઓના નરસંહાર બાદ હવે હજારો લોકો રસ્તા પર ઉતરીને દુનિયાના નકશામાંથી ઈઝરાયેલનુ નામો નિશાન મિટાવવા માટે નારા લગાવી રહયા છે.
તેમણે કહ્યુ હતુ કે, અમારી સરકાર બ્રિટનના કાયદાની પણ સમીક્ષા કરતી રહે છે. કોઈ કયાદામાં ફેરફારની જરુર પડી તો તેમાં પણ અમે ખચકાઈશું નહીં. આ પહેલા જસ્ટ સ્ટોપ ઓઈલ..દેખાવો વખતે પણ અમે કાયદામાં ફેરફાર કર્યો હતો.