મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાયો હતો.
મોરબીના મણિમંદિર પરિસરની નજીક સરકારી જમીન પર ગેરકાયદે દરગાહ ઉભી કરી દેવામાં આવી હતી. આ દરગાહના ગેરકાયદેસર બાંધકામનો વિવાદ 2022માં શરૂ થયો હતો. જાન્યુઆરી 2022માં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે નોટિસ જારી કરી હતી. સપ્ટેમ્બર 2022માં રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગના એન્જિનિયર હિતેશભાઈ આડરોજા તરફથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
10 કરોડની સરકારી જમીન થઈ મુક્ત
આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં જતાં હાઇકોર્ટે દરગાહના ડિમોલિશન પર સ્ટે મૂકી દીધો હતો તેથી કોઈ કાર્યવાહી થઈ શકતી નહોતી. પરંતુ તાજેતરમાં જ હાઇકોર્ટે સ્ટે ઉઠાવી લેતાં કાર્યવાહી કરવામાં આવી હતી. 2 ડિસેમ્બરની સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આશરે 350 ચોરસ મીટર જગ્યા અને 10 કરોડની સરકારી જમીન દબાણમુક્ત થઈ છે.
આ કાર્યવાહી દરમિયાન રાજકોટ અને જામનગરથી પોલીસ દળ બોલવામાં આવ્યું હતું. આ સિવાય 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લગભગ 1000 જેટલા પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા દ્વારા પણ સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ડિમોલિશન બાદ મુસ્લિમોનો હોબાળો
ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં તંગદિલી વધી હતી. મુસ્લિમ સમુદાયનું ટોળું મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે મોટી સંખ્યામાં ભેગું થયું હતું. જ્યારે પોલીસે આ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, ખાનગી વાહનો તેમજ પોલીસની જીપના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી.
જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી. હાલમાં શહેરમાં કોઈપણ વિસ્તારમાં લોકોના ટોળાં એકત્રિત ન થાય તેવો સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાટકીવાસ, સિપાહીવાસ, મકરાણીવાસ, ઈદ મસ્જિદ રોડ, વીસીપરા સહિતના વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel