98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ તાજિકિસ્તાને કહ્યું કે, અમે મહિલાઓના કપડા અંગે નવી ગાઇડલાઇન જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરીશું. આ પુસ્તક જુલાઈમાં આવશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, કયા પ્રસંગે અને ક્યા કયા કપડાં પહેરવા જોઈએ તે અંગે ભલામણો આપવામાં આવશે. મુસ્લિમ બહુમતી ધરાવતો મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાન સમાજ પર કડક દેખરેખ રાખે છે, ખાસ કરીને જ્યારે વાત મહિલાઓ અને છોકરીઓ સાથે સંકળાયેલી હોય ત્યારે.
તાજિક સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન
તાજેતરના વર્ષોમાં સરકારે ‘પરંપરાગત’ તાજિક વસ્ત્રોને પ્રોત્સાહન આપ્યું છે અને રાષ્ટ્રીય સંસ્કૃતિની વિરુદ્ધ ગણાતાં કપડાં પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાજિક મહિલાઓના પરંપરાગત પોશાકમાં સામાન્ય રીતે રંગબેરંગી, ભરતકામવાળા, સંપૂર્ણ બાંયના કુર્તા હોય છે જેને ઢીલા પાયજામા સાથે પહેરવામાં આવે છે. સરકાર આવા પરંપરાગત વસ્ત્રોને પ્રોત્સાહન આપવા માગે છે અને ‘વિદેશી ઇસ્લામિક પ્રભાવો’ને ખતમ કરવા માગે છે.
દાઢી પર લગાવ્યો પ્રતિબંધ
1992થી સત્તામાં રહેલા પ્રમુખ ઈમોમાલી રહેમોને અગાઉ પણ ઇસ્લામિક હિજાબને સમાજ માટે સમસ્યા ગણાવી હતી અને મહિલાઓને ‘તાજિક શૈલી’માં પોશાક પહેરવા માટે અપીલ કરી હતી. વાત અહીં જ ખતમ નથી થતી, સરકારે દેશમાં લાંબી દાઢી રાખવા પર પણ અનૌપચારિક પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી ‘ધાર્મિક કટ્ટરતા’ રોકી શકાય.
કેમ લેવામાં આવ્યો આ કડક નિર્ણય
ગત વર્ષે મોસ્કોના એક કોન્સર્ટ હોલ પર થયેલા હુમલામાં ચાર તાજિક નાગરિકો પર સંડોવણીનો આરોપ લાગ્યા બાદ સરકારે ઇસ્લામિક ઉગ્રવાદ સામે કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. આ પહેલા 2015માં ઘણા તાજિક નાગરિકો આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ ગયા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને તાજિકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે.
98 ટકા મુસ્લિમ, તેમ છતાં સેક્યુલર દેશ
તાજિકિસ્તાન એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં લગભગ 98 ટકા વસતી ઇસ્લામ ધર્મનું પાલન કરે છે. તેમાંથી લગભગ 85-90 ટકા સુન્ની મુસ્લિમો છે અને લગભગ 7-10 ટકા શિયા સંપ્રદાયને માનનારા છે. આટલી મોટી મુસ્લિમ વસતી હોવા છતાં, દેશનું શાસન ઔપચારિક રીતે બિનસાંપ્રદાયિક સરકાર તરીકે કાર્ય કરે છે અને ઇસ્લામિક પ્રભાવો પર ઝીણવટભરી નજર રાખે છે.
આ દેશો સાથે જોડાયેલી છે સરહદ
તાજિકિસ્તાન મધ્ય એશિયામાં એક નાનો પર્વતીય દેશ છે. તેની ચાર દેશો સાથે સરહદ જોડાયેલી છે. ઉત્તરમાં કિર્ગિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં ચીન સ્થિત છે. તાજિકિસ્તાનની વસતી લગભગ 1 કરોડ (10 મિલિયન) છે.