નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારના સાશનમાં ઉત્કૃષ્ટ આર્થિક વૃદ્ધિને કારણે, ભારત વર્ષ 2031 સુધીમાં Upper Middle-Income Status પ્રાપ્ત કરી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા વર્તમાન સ્તરથી બમણી થઈને 7 ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. આ વૃદ્ધિ હાંસલ કર્યા પછી તે ઉચ્ચ મધ્યમ-વર્ગનો દરજ્જો પ્રાપ્ત કરશે.
વર્ષ 2031 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
CRISIL એ ઇન્ડિયા આઉટલુક રિપોર્ટ તૈયાર કર્યો છે જે મુજબ ઘરેલું માળખાકીય સુધારાઓ અને અન્ય પરિબળો તરફ લીધેલા પગલાંને કારણે ભારતની આર્થિક પ્રગતિ જોવા મળશે. CRISILનો અંદાજ છે કે 2031 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, તેમના વિકાસના અંદાજોને વટાવી જશે.
વર્ષ 2024-25માં GDP 6.8 ટકા
CRISILના રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો GDP વૃદ્ધિ દર 7.6 ટકા કરતાં વધુ સારો હોઈ શકે છે. જોકે આગામી નાણાકીય વર્ષ 2024-25માં તેમાં થોડો ઘટાડો થશે અને આર્થિક વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાની ધારણા છે. ક્રિસિલ મુજબ, 2025 થી 2031 સુધીના આગામી સાત નાણાકીય વર્ષો દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા પહેલા 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પાર કરશે અને પછી 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની નજીક જશે. હાલમાં ભારત 3.6 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને અમેરિકા, ચીન, જાપાન અને જર્મની તેનાથી મોટી અર્થવ્યવસ્થા છે.
ભારત સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) વૃદ્ધિના આંકડા જાહેર કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 8.4 ટકા છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 4.3 ટકા હતો.
અપર મિડલ ઈન્કમ કેટેગરીવાળા દેશ
આ સમયગાળા દરમિયાન ભારત સરેરાશ 6.7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે અને 2031 સુધીમાં તેની માથાદીઠ આવકને ઉચ્ચ મધ્યમ આવકની શ્રેણીમાં લઈ જશે. 2031 સુધીમાં, ભારતની માથાદીઠ આવક $4500 સુધી પહોંચી જશે, જેના કારણે તે ઉચ્ચ મધ્યમ-આવકની શ્રેણીના દેશમાં સામેલ થશે. વિશ્વ બેંક અનુસાર, 1000 થી 4000 ડોલરની માથાદીઠ આવક ધરાવતા દેશો નિમ્ન-મધ્યમ આવકની શ્રેણીમાં આવે છે, જ્યારે 4000 થી 12000 ડોલરની માથાદીઠ આવક ધરાવતા દેશો ઉચ્ચ-મધ્યમ આવકની શ્રેણીમાં આવે છે.