ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાની વચ્ચે મામલો ગરમાયેલો છે. એ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાનાં એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છએ. આ પ્રસ્તાવ હમાસને લઈને કેનેડા તરફથી મૂકવામાં આવ્યો હતો. કેનેડાએ પ્રસ્તાવ રાખ્યો હતો કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે તેમાં કેનેડાનાં પ્રસ્તાવનાં સમર્થનમાં વોટ આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની મદદ માટે ભારતે આ પગલું લીધું હતું.
કેનેડાનો પ્રસ્તાવ પાસ ન થયો
આ પહેલાં જોર્ડને ઈઝરાલ અને પેલેસ્ટાઈન પર પ્રસ્તાવ રાખ્યાં હતાં. આ પ્રસ્તાવ પર કેનેડાએ સંશોધન પ્રસ્તાવ મૂક્યું અને કહ્યું કે હમાસનાં ઈઝરાયલ પર હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે આ સંશોધન પ્રસ્તાવનાં પક્ષમાં વોટ આપ્યો હતો. જો કે UN મહાસભામાં 2/3 વોટ પ્રાપ્ત ન થયા હોવાને લીધે કેનેડાનો આ પ્રસ્તાવ પાસ ન થઈ શક્યો.
આ દેશોએ આપ્યું સમર્થન
કેનેડાનાં આ પ્રસ્તાવ પર 88 દેશોએ સમર્થન આપ્યું પણ 55 દેશોએ વિરોધ કર્યો. તો 23 દેશ એવા પણ હતાં જે તટસ્થ રહ્યાં હતાં. કેનેડાનાં આ પ્રસ્તાવનો પાકિસ્તાન, કતાર સહિત અનેક મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો. કેનેડાને ભારત સિવાય ફ્રાંસ, જાપાન, અમેરિકા સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું હતું.
ભારતે હમાસનું સમર્થન ન કર્યું
આ પહેલાં ભારતે પહેલીવાર પેલેસ્ટાઈન મુદાનું સમર્થન કરનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રસ્તાવની વિરોધમાં મતદાન કર્યું છે. શુક્રવારે પ્રસ્તાવ પર ભારતે એટલે વિરોધ કર્યો કારણકે તેમાં હમાસનાં આતંકવાદી હુમલાની નિંદા નહોતી કરવામાં આવી. મહાસભાએ નવી દિલ્હી દ્વારા સમર્થિત એક સંશોધનને પણ નામંજૂર કર્યું હતું જેમાં આતંકવાદી સમૂહનું નામ આપવામાં આવ્યું હતું. ભારતની ઉપસ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે મતદાન બાદ કહ્યું કે ઈઝરાયલમાં 7 ઑક્ટોબરનાં થયેલ આતંકી હુમલો ચોંકાવનારો અને નિંદનીય હતો.