ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એવા સમાચાર છે કે કેનેડાના વિદેશ મંત્રીએ અમેરિકામાં જયશંકર સાથે સિક્રેટ બેઠક કરી હોવાની માહિતી મળી રહી છે. જોકે હજુ બંને દેશો દ્વારા આ વાત અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
કેનેડા દ્વારા ભારત સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ
એક મીડિયા રીપોર્ટ અનુસાર, જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રીએ અમેરિકામાં મુલાકાત કરી હતી. ઉપરાંત આ આ રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેનેડાની સરકાર ભારત સાથે તેના રાજદ્વારી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં પણ કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેઓ ભારત સાથે વ્યક્તિગત રીતે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ ?
19 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યાને લઇ ભારત પરઆરોપ લગાવ્યો હતા. તેમણે કહ્યું હતું કે, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જર અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની તપાસ કરી રહી છે. કેનેડા કાયદાનું પાલન કરતો દેશ છે. કેનેડાના નાગરિકોની સુરક્ષા અને આપણા સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ અમારી મૂળભૂત ફરજ છે. જો કે કેનેડા સરકાર દ્વારા એવા કોઈ પુરાવા જાહેર કરવામાં આવ્યા નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો યુ-ટર્ન…
જોકે આ આરોપોને લઈને PM ટ્રુડો પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલે તેમના જ સાંસદોએ સવાલો ઉઠાવ્યા. કેનેડાના વડાપ્રધાન પાસે તેમના જ વિપક્ષી સાંસદોએ પુરાવા માંગ્યા હતા. જેના લીધે હવે જસ્ટિન ટ્રુડો ખુદ ભારતને મહાસત્તા ગણાવીને મિત્રતાને નવી ઊંચાઈએ લઈ જવાની હિમાયત કરી રહ્યા છે.