ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે અને હવે સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે દુનિયાભરના નેતાઓ નરેન્દ્ર મોદીને અભિનંદન આપી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ PM મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિનંદન આપ્યા અને કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન. માનવ અધિકાર, વિવિધતા અને કાયદાના શાસન પર આધારિત અમારા સંબંધોને આગળ વધારવા માટે કેનેડા તેમની સરકાર સાથે કામ કરવા તૈયાર છે.
“Congratulations to Indian Prime Minister Narendra Modi on his electoral victory. Canada stands ready to work with his government to advance the relationship between our nations’ peoples—anchored to human rights, diversity, and the rule of law.” – Prime Minister Justin Trudeau
— CanadianPM (@CanadianPM) June 5, 2024
જસ્ટિન ટ્રુડો દ્વારા આપવામાં આવેલા અભિનંદન સંદેશમાં માનવ અધિકાર, વિવિધતા અને કાયદાનું શાસન જેવી બાબતો લખવામાં આવી હતી, જેના પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેમની નિંદા કરી હતી. લોકોએ ટ્રુડોને યાદ અપાવ્યું કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન શું થયું હતું.
ગયા વર્ષથી ભારત અને કેનેડાના સંબંધોમાં (India-Canada relationship)ખટાશ આવી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે સંસદમાં ઊભા રહીને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ છે.