પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારને સંદેશખાલી મામલે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાશન કૌભાંડ, જાતીય સતામણી અને જમીન હડપ કરવાના મામલામાં કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 42 કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાના હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ‘રાશન કૌભાંડમાં 43 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર આને અતિશયોક્તિ કરવામાં આવી રહી છે.’ આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘રાજ્ય સરકાર શા માટે કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કલકાતા હાઈકોર્ટની ટિપ્પણીથી તપાસ પ્રભાવિત થવી જોઈએ નહીં.’ ઉલ્લેખનીય છે કે,સંદેશખાલી કેસની સુનાવણી કરતી વખતે કલકાતા હાઈકોર્ટે મમતા સરકારને આંચકો આપ્યો હતો અને સંદેશખાલી કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો નિર્ણય આપ્યો હતો.
સંદેશખાલી કેસ શું છે?
સીબીઆઈ પાંચમી જાન્યુઆરીએ સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ પર થયેલા હુમલાની પણ તપાસ કરી રહી છે. રાશન કૌભાંડ કેસમાં તૃણમૂલ નેતા શેખ શાહજહાંના ઘરે દરોડો પાડવા આવેલા ઈડીના અધિકારીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ છે કે શાહજહાં શેખના નિર્દેશ પર તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. શાહજહાં અને તેના સહયોગીઓ પર મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. વિવાદ વધતાં તૃણમૂલે શાહજહાંને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.