આજે વિવિધ સરકારી કામોમાં KYC કરાવવું ફરજીયાત થઈ ગયું છે. જેમાં તમારે બેંકમાં ખાતુ ખોલાવવાનું હોય, શેરબજારમાં કે મ્યુચ્ચુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય અથવા તો કોઈ સરકારી સ્કીમનો લાભ લેવાનો હોય, અથવા વીમા પોલીસી ખરીદવાની હોય તો દરેકમાં KYC કરાવવી ફરજીયાત છે.
KYC વિના તમે ન તો બેંક ખાતું ખોલાવી શકો છો કે ન તો કોઈ સરકારી યોજનાનો લાભ લઈ શકશો. માત્ર ખાતું ખોલાવતી વખતે જ નહીં પરંતુ દરેક કામમાં તમારે સમયે સમયે KYC પણ અપડેટ કરવતાં રહેવું પડશે. જેમા દરેક વખતે નવેસરથી KYC કરવામાં આવતું હોય છે. આમાં ગ્રાહકો અને કર્મચારીઓનો ખૂબ જ સમય વેડફાય છે. તેમજ કેટલાક લોકો માટે વારંવાર અને અલગ અલગ કામો માટે KYC અપડેટ કરવું મુશ્કેલ બની જાય છે.
વારંવાર KYC અપડેટ કરવાની ઝંઝટથી કંટાળી ગયા હોવ તો આ સમાચાર તમારા માટે છે. આ ઝંઝટ અને મુશ્કેલીને ઓછી કરવા માટે KYC નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે સરકાર KYC સંબંધિત નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત આ નિયમો બદલી અને એકસમાન KYC (Uniform KYC) લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
આવો આજે યુનિફોર્મ કેવાયસી (Uniform KYC) શું છે, તે કેવી રીતે કામ કરશે, તેનો પ્રસ્તાવ કોણે મૂક્યો છે, તેને ક્યારે લાગુ કરી શકાય છે અને તેના ફાયદા શું છે?
યુનિફોર્મ કેવાયસી (Uniform KYC) શું છે?
KYC નું આખુ નામ છે Know Your Customer.. તેનો અર્થ છે કે તે ગ્રાહકની ઓળખ તપાસવાની એક રીત છે. જેમા પૈસા સાથે જોડાયેલ કામોમાં KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હવે સરકાર KYC પ્રક્રિયાને વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. જેની મદદથી તમારે એક જ વારમાં KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
સરકાર આ નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે
Uniform KYCમાં તમારા બધા KYC દસ્તાવેજો માત્ર એક જ વાર સબમિટ કરવામાં આવશે અને તેના પછી તમને 14 અંકનો CKYC ઓળખ નંબર આપવામાં આવશે, જેનો ઉપયોગ RBI, SEBI જેવા રેગ્યુલેટરના કાર્યક્ષેત્રમાં આવતી સંસ્થાઓમાં કરી શકો છો. એટલે કે તમારે બેંક એકાઉન્ટ, ફાસ્ટેગ, શેર માર્કેટ અને વીમા માટે વારંવાર KYC કરવાની જરૂર નહીં પડે. KYC પ્રક્રિયાને બદલે તમારું કામ ફક્ત CKYC નંબર આપવાથી થઈ જશે.
એટલે સરળ શબ્દોમાં કહીએ તો હવે તમારે ફક્ત એક જ વાર KYC કરવું પડશે, પછી તમે તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકશો.
યુનિફોર્મ કેવાયસી માટેની દરખાસ્ત ક્યારે અને કેવી રીતે આગળ મૂકવામાં આવી?
હકીકતમાં નાણા મંત્રાલયે વર્ષ 2016માં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCR)ની રચના કરી હતી. તેનો હેતુ સામાન્ય લોકોને KYC સંબંધિત મુશ્કેલીમાંથી છુટકારો આપવાનો છે. અહીંથી જ યુનિફોર્મ KYCનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની બેઠકમાં તાજેતરમાં જ યુનિફોર્મ KYC પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાણામંત્રીએ કસ્ટમર્સ વેરિફિકેશન માટે યુનિફોર્મ કેવાયસી લાવવાની વાત કરી હતી. તેનાથી લોકોને KYC માટે વારંવાર મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.
રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારના નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ યુનિફોર્મ કેવાયસી( KYC)નિયમો અંગેનું ફોર્મેટ તૈયાર કરશે.
યુનિફોર્મ કેવાયસીના ફાયદા?
જો યુનિફોર્મ કેવાયસી લાગુ કરવામાં આવે તો, તમારે બેંક ખાતા અને વીમા માટે અલગ KYC કરાવવાની જરૂર નહીં રહે. યુનિફોર્મ કેવાયસીમાં KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને વારંવાર KYC પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એક જ KYCથી ઘણા કાર્યો પૂરા કરી શકાશે.
સૌથી મોટો ફાયદો એ થશે કે પેપરવર્કમાં ઘટાડો થશે
જેનો સૌથી મોટો ફાયદો એ થશે કે પેપરવર્ક વર્કમાં ઘટાડો થશે, અને સમયની સાથે ખર્ચમાં પણ બચત થશે. આ પ્રક્રિયાથી માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ બેંકો સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓ માટે પણ KYC પ્રક્રિયા દ્વારા એડ્રેસ વેરિફિકેશનમાં સરળતા રહેશે. અને કામ ઝડપી થશે.