પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે અક્ષય તૃતીયાના અવસર વિશ્વ પ્રખ્યાત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા વૈદિક મંત્રોના જાપ સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન હજારો ભક્તો દર્શનાર્થે આવ્યાં હતા.
ગંગોત્રી અને યમુનોત્રી મંદિરથી ચારધામ યાત્રાની શરૂઆત આવી
નોંધનીય છે કે, આ વર્ષની ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી અને યમુનોત્રી બંને ધામના દરવાજા ખોલવાના સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરથી ચારધામ યાત્રાની શરૂઆત કરવામાં આવતી હોય છે. પહેલા આ મંદિરના દરવાજા ખોલ્યા બાદ શનિદેવ મહારાજના નેતૃત્વમાં દેવી યમુનાની પાલખી તેમના શિયાળુ નિવાસસ્થાન ખારસાલીથી યમુનોત્રી ધામ પહોંચી અને ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે યમુનોત્રી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યાં હતા.
ભક્તોએ અખંત જ્યોતિના દર્શન કર્યા બાદ ગંગા અને યમુનામાં સ્નાન કર્યું
ભક્તો ધાર્મિક પરંપરાઓ મુજબ દેવી ગંગાની મૂર્તિ લઈને ઉત્સવની પાલખી ભૈરવ ખીણમાં આવેલા ભૈરવ મંદિરથી નીકળી હતી અને ગંગોત્રી ધામ પહોંચી હતી. અહીં વિશેષ પ્રાર્થના અને અભિષેક પછી સવારે 10.30 વાગ્યે ભક્તો માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મંદિરના દરવાજા ખોલવામાં આવતા દેશ અને વિદેશથી આવેલા હજારો ભક્તોએ અખંત જ્યોતિના દર્શન કર્યા બાદ ગંગા અને યમુનામાં સ્નાન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ પણ ગંગા અને યમુના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા.
યમુનોત્રીએ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે
મહત્વની વાત એ છે કે, ઉત્તરાખંડના ચાર ધામમાં સમાવિષ્ટ અન્ય બે ધામ – કેદારનાથ અને બદ્રીનાથના દરવાજા આવતી કાલે એટલે કે, 2જી મે અને 4થી મેના રોજ ખુલવાના છે. ધાર્મિક માન્યાતા પ્રમાણે યમનોત્રીથી યાત્રા શરૂ કરવામાં આવે તો ચારધામની યાત્રામાં ભક્તોનો કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. યમુનોત્રીએ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે. ધાર્મિક માન્યતા મુજબ યમુનાજીને યમરાજની બહેન મામવામાં આવે છે. યમુનાજીને વરદાન મળ્યું છે કે તેઓ પોતાના પાણી દ્વારા બધાના દુ:ખ દૂર કરશે. જેથી એવું પણ માનવામાં આવે છે કે યમુનોત્રીમાં સ્નાન કરનાર ભક્તને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે. જેથી મોટાભાગના ભક્તો ચારધાનની યાત્રા યમનોત્રીથી જ શરૂ કરતા હોય છે.