વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સર્વપ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નવતર અને પર્યાવરણલક્ષી પહેલની સરાહના કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પાઠવીને સમગ્ર આયોજનને હૃદયપૂર્વક બિરદાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈને પાઠવેલા શુભેચ્છા પત્રમાં જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પર્યાવરણ જતન અને વૃક્ષ-પૂજનનું મહત્વ રહ્યું છે. વૃક્ષો પર્યાવરણના ફેફસાં સમાન છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી ઓક્સિજન આપી શુદ્ધિકરણનું ભગીરથ કાર્ય કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ વન મહોત્સવ, સોલાર પાર્ક, રૂફટોપ સોલાર અને ‘Convenient Action’ પુસ્તક થકી તેમણે ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે માર્ગદર્શન આપ્યું છે.
હાલમાં સમગ્ર દેશમાં શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન સાથે નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
નડિયાદ ખાતે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત રાજ્યના મંત્રી, ઉચ્ચ પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ અગ્રણી પત્રકારો દ્વારા સામૂહિક રીતે ૨૧૧ રોપાઓનું વાવેતર કરી ‘પત્રકાર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું તે અત્યંત આવકાર્ય પગલું છે.
મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને જનજાગૃતિ ફેલાવવામાં અખબારો અને પત્રકારોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે મીડિયાકર્મીઓને વૃક્ષારોપણ સાથે સાંકળીને સમાજમાં પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આવી સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ થકી જનહિતના કાર્યો આગળ ધપાવવા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel