દેશમાં બાળ દુષ્કર્મ સાથે જોડાયેલા કેસો 2016ની સરખામણીમાં 2022માં 96 ટકા વધી ગયા છે. આ ખુલાસો બાળ અધિકારને લઇને કામ કરનાર સંસ્થા ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ (ક્રાઇ એનાલિસિસ)ના એનસીઆરબીના આંકડાના મુલ્યાંકન બાદ થયો છે. આ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે દેશમાં વર્ષ 2016માં બાળ દુષ્કર્મના 19764 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2022માં વધીને 38911 થઇ ગયા છે.
ક્રાઇ એનાલિસિસના રિસર્ચ ડાયરેક્ટર શુભેન્દુ ભટ્ટાચાર્યનુ કહેવુ છે કે દેશમાં બાળ દુષ્કર્મના કેસોમાં વધારો થયો છે. આની પાછળ સૌથી મોટુ કારણ એ છે કે લોકોમાં જાગરુકતા વધી છે. હવે બાળકોની સામે બનતા વિવિધ અપરાધ સાથે જોડાયેલા કેસ નોંધાવવામાં આવી રહ્યા છે.
ક્રાઇ એનાલિસિસના મુલ્યાંકનમાં સામે આવ્યું છે કે 2020ને બાદ કરતા 2016 બાદથી બાળ દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થયો છે. એકલા 2021 અને 2022ની વચ્ચે બાળ દુષ્કર્મના કેસમાં 6.9 ટકાનો વધારો થયો છે.
સામાજિક ફેરફારથી મૌનની સંસ્કૃતિ ખતમ થઇ
રિપોર્ટ ક્રાઇ એનાલિસિસના રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે કાયદાકીય સુધારા અને નીતિઓમાં ફેરફારના કારણે લોકો બાળકોના યૌન ઉત્પીડન અને બાળ દુષ્કર્મના કેસો નોંધાવવા માટે આગળ આવી રહ્યા છે. સાથે જ મોટા સ્તર પર સામાજિક જાગરુકતાના કારણે કેટલાક સામાજિક સંગઠનો બાળકોની મદદ કરવા માટે આગળ આવવા લાગ્યા છે. સિવિલ સોસાયટીના આ ફેરફારના કારણે વધુને વધુ કેસ નોંધાવવા લાગ્યા છે.
પીડિતોને ન્યાય મળે તે માટે વધુ પ્રયાસો કરવાની જરૂર
બાળ દુષ્કર્મના કેસ નોંધાવવાના કેસમાં રચનાત્મક ફેરફાર છતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા કેસમાં અસરકારક તપાસ, પીડિતો માટે સુરક્ષાની ખાતરી કરવા આડે સતત પડકારો આવી રહ્યા છે. યૌન અપરાધોથી પીડિત બાળકોને ન્યાય મળે તે માટે વધુ પ્રયાસો કરવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજુ વધુ જાગરુકતા વધારવાની જરૂર છે. જો આવુ થશે તો વધુ કેસ સામે આવી શકે છે. જો કે બાળકોની સામે અપરાધોને અસરકારક રીતે હાથ ધરવા માટે અને રોકવા માટે એક અસરકારક રણનીતિની પણ જરૂર છે.