કાશ્મીરમાં આગામી સપ્તાહમાં યોજાનારી બેઠક માટે તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે પાડોશી દેશ ચીને આ બેઠકનો વિરોધ કર્યો છે. શ્રીનગરમાં યોજાનારી આ બેઠકમાં G20 દેશોના લગભગ 60 પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ચીને કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવ્યો હતો.
ચીને આ બેઠક યોજવાનો સખત વિરોધ કર્યો છે તો બીજી તરફ તુર્કી અને સાઉદી અરેબિયાએ શ્રીનગરમાં યોજાનારી બેઠક માટે હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. વૈશ્વિક મંચ પર ચીન પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી.
આ સ્થિતિમાં ચીનનું આ નિવેદન આશ્ચર્યજનક નથી. ભારત 22થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ત્રીજી G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરશે. ભારત આ બેઠકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું હતું કે શ્રીનગરમાં G-20 મીટિંગ જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા બતાવવાની એક શ્રેષ્ઠ તક છે. સિંહે વધુમાં કહ્યું કે શ્રીનગરમાં આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય આયોજન દેશ અને દુનિયાને સકારાત્મક સંદેશ આપશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની G-20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં ભાગ લઈશું નહીં. આ અગાઉ પણ પાકિસ્તાન અને ચીને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ વિશે અનિચ્છનીય ટિપ્પણીઓ કરી છે. ભારત પહેલા જ જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનોને નકારી ચૂક્યું છે. શ્રીનગરમાં યોજાનારી આ બેઠક માટે અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવવામાં આવી છે.