છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુલાકાતે પધાર્યા છે.
તાપી જિલ્લાના છેવાડેના કુકરમુંડા તાલુકાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સાતપુડાના પર્વતોની હારમાળા વચ્ચે આવેલા ડાબરીઆંબા ગામે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ તથા ફરજ પરનાં ખાસ અધિકારી અને માહિતી નિયામક ધીરજ પારેખ વહેલી સવારે આવી પહોંચ્યા ત્યારે, ગ્રામીણજનો, વહીવટી તંત્રના અધિકારીઓ, અને સ્થાનિક પદાધિકારીઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત, અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ અહીં વિવિધ વિકાસના કામો તથા ગ્રામીણ સરકારી સેવા સંસ્થાઓની જાત મુલાકાત લઈ બારીકાઈથી નીરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ડાબરીઆંબા ગામે પહેલવહેલી વાર પધારતા સ્થાનિક ગ્રામજનો ખુશ ખુશાલ બન્યા હતા. ગામજનોએ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતામાં કોઇ કચાસ છોડી ન હતી. ગ્રામજનોમાં લોકલાડીલા મુખ્યમંત્રીના આગમનને લઈને ઉત્સાહનો મહાસાગર છલકાયો હતો.
મુખ્યમંત્રીએ ડાબરીઆંબા ગામે કાર્યરત દુધ મંડળી, આંગણવાડી કેન્દ્ર સહિત પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, ત્યાની સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.