જેટ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૮.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમ સરકારી ઓઇલ રીટેલ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું.
એક કીલોલિટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)નો ભાવ ૭૭૨૮.૩૮ રૂપિયા વધીને ૯૮૫૦૮.૨૬ રૂપિયા થઇ ગયો છે. છેલ્લા એક મહિનામાં બીજી વખત એટીએફના ભાવ વધારવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક જુલાઇના રોજ એટીએફના ભાવમાં ૧૪૭૬.૭૯ રૂપિયા એટલે કે ૧.૬૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૬૮૦ રૂપિયા થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે એટીએફ અને એલપીજીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે ઘરોમાં વપરાતા ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૧૦૩ રૂપિયા પર યથાવત રહ્યો છે.
છેલ્લે એક માર્ચના રોજ ડોમેસ્ટિક એલપીજીના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ વિક્રમજનક સળંગ ૧૬મા મહિને પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ યથાવત રાખવામાં આવ્યો છં. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પર સ્થિર છે.