ભડકાઉ ભાષણો અને કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રકરણમાં પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના પાસાના હુકમ સામે સ્ટે આપવાનો હાઈકોર્ટની ખંડપીઠે ઈનકાર કર્યો હતો. થોડા સમય પહેલાં જ ભડકાઉ ભાષણ કરવાના અને સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રકરણમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ, મોડાસા અને કચ્છના સામખીયાળીમાં ત્રણ જુદી જુદી ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને તે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. આ ત્રણેય કેસમાંથી તેને જામીનમળ્યા હતા.
બીજીબાજુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તેની વિરૃદ્ધ પાસા લાગુ પાડવામાં આવતાં તેને સાબરમતી જેલમાંથી વડોદરા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. અઝહરી તરફથી પાસાના હુકમ સામે મનાઈહુકમની રાહત આપવા હાઈ કોર્ટ સમક્ષ માંગ કરાઈ હતી અને જણાવાયું હતું કે, અરજદારે તેની વિરૃધ્ધ નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા અરજી કરેલી છે, તે અરજી ચાલવામાં હજુ વિલંબ થાય તેમ હોઈ ત્યાં સુધી પાસાનો હુકમ સ્ટે કરવા અદાલતને વિનંતી છે. હાઇકોર્ટે હાલના તબક્કે સ્ટેની રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.