જીએસટી કાઉન્સિલની (GST council) બેઠક આગામી ટૂંકા સમયગાળામાં મળશે. જેમાં મુખ્યત્વે જીએસટીના દરનાં સરળીકરણ તથા તર્કસંગતતા અને સેસ (cess)નાં વળતરનાં ભાવી અંગે ચર્ચા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જીએસટીની કાઉન્સિલની આગામી બેઠકમાં જીએસટીનાં સરળીકરણ માટેનાં મુખ્યત્વે ત્રણથી ચાર મુદ્દાઓ પર ચર્ચા થશે. અમે સેસનાં વળતર (કોમ્પેન્સેશન સેસ), દરની તર્કસંગતતા અને સરળીકરણ જેવા મુદ્દા હાથ ધરશું, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
ગત ડિસેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સિલની બેઠક કેન્દ્રિય નાણાં પ્રધાનની અધ્યક્ષતા હેઠળ અને રાજ્યકક્ષાના નાણાં પ્રધાનો સાથે યોજાઈ હતી. જેમાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (જીઓએમ)ના દરની તર્કસંગતતા અને સ્વાસ્થ્ય તથા જીવન વીમા પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવાના અંગેનો અહેવાલ નહોતો લેવામાં આવ્યો. બે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ જીએસટીના દરમાં ઘટાડો કરવાની અને અમુક કેટેગરીમાં દરમાંથી માફી આપવાની ભલામણ કરી હતી. જોકે, તેનો અંતિમ રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સુપ્રત કરવાનો બાકી છે.
વધુમાં રાજ્ય કક્ષાનાં નાણાં પ્રધાન પંકજ ચૌધરીનાં વડપણ હેઠળના કોમ્પેન્સેશન સેસ પરનાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ માર્ચ, 2026 પછીના કોમ્પેન્સેશન સેસ પર ધ્યાન રાખી રહ્યું છે. હાલમાં આ સેસ લક્ઝરી અને હાનીકારક હોય તેવી વસ્તુઓ પર લાદવામાં આવી રહી છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત કોવિડની મહામારીનાં સંજોગોમાં લેવામાં આવેલી લોન ચૂકવવા માટે થઈ રહ્યો છે.
જેથી રાજ્યોને જીએસટીની આવકમાં થયેલા નુકસાન સરભર થઈ શકે. હવે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ સેસમાંથી મળેલી આવકને કયા સ્વરૂપમાં જાળવી રાખવી અને તેને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે કેવી રીતે વિભાજીત કરવી તે અંગે અભ્યાસ હાથ ધરી રહ્યું છે.