આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ બેઠક દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે સહયોગની નવી તકો અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, સોલાર એનર્જી, સહકારી ક્ષેત્ર, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને ગ્રામ્ય અર્થતંત્ર જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ. બંને પક્ષોએ ગ્રાસરૂટ લેવલ પર સહયોગને વધુ મજબૂત બનાવવા માટે તત્પરતા વ્યક્ત કરી.
AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિન્સ રહીમ આગા ખાન Vનું ગુજરાતમાં સ્વાગત કરતાં જણાવ્યું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગેની AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે.
પ્રિન્સ રહીમ આગા ખાન V શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ તથા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વંચિત સમુદાયોના જીવનધોરણમાં સુધારો લાવવા જેવા ક્ષેત્રોમાં AKDN વૈશ્વિક સ્તરે કાર્યરત છે.
Pleased to host His Highness Prince Rahim Aga Khan V, the 50th hereditary Imam of the Shia Ismaili Muslims and Chair of the Aga Khan Development Network, in Gandhinagar today.
We held fruitful discussions on creating new opportunities for sustainable, inclusive, and… pic.twitter.com/wd5ZTr5O75
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 12, 2026
જળ સંરક્ષણને જનઆંદોલન બનાવવાના ગુજરાતના પ્રયાસો અંગે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંરક્ષણને ગુજરાતના સસ્ટેનેબલ વિકાસનું મહત્વપૂર્ણ પરિમાણ ગણાવ્યું. તેમણે રાજ્યમાં હાથ ધરવામાં આવેલા વિશાળ પાયાના વોટર કન્ઝર્વેશન, રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ અને જળાશયોના પુનઃસજીવનના પ્રયાસોની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં જળ સંરક્ષણને માત્ર સરકારી કાર્યક્રમ પૂરતું મર્યાદિત ન રાખીને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ક્ષેત્રે AKDN સાથે ગ્રાસરૂટ લેવલ પર સહયોગ માટે પણ સકારાત્મક સંભાવનાઓ પર ચર્ચા થઈ.
મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતના મોડલની રજૂઆત
બેઠક દરમિયાન મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતે કરેલા પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં મિલેટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે વિવિધ પહેલ અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્ય સરકારે મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા, તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને પ્રોસેસિંગ માટે પ્રોત્સાહિત કરવા ‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ’ અમલમાં મૂકી છે.
પ્રિન્સ રહીમ આગા ખાન Vએ જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ ક્ષેત્રે રાજ્ય સરકાર સાથે સહયોગ વધુ ગાઢ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
સોલાર એનર્જી ક્ષેત્રે સહયોગની સંભાવના
ગુજરાતની સોલાર એનર્જી ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની સોલાર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 34,880 મેગાવોટ સુધી પહોંચી છે.
‘PM Surya Ghar: Muft Bijli Yojana’ અંતર્ગત ગુજરાતમાં 10 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.39 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી હોવાનું પણ બેઠકમાં જણાવાયું.
સોલાર પંપ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે AKDN અને ગુજરાત સરકાર વચ્ચે સહયોગની નવી તકો અંગે પણ વિચારવિમર્શ થયો.
સહકારી ક્ષેત્રના ગુજરાત મોડલ પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સફળ સહકારી મોડલ અંગે માહિતી આપતાં જણાવ્યું કે ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે રાજ્યમાં 87 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે.
પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS)ના માધ્યમથી સહકારી વ્યવસ્થાને ગ્રામ્ય અને માઇક્રો લેવલ સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકાર PACSને ગ્રામ્ય સ્તરે વિવિધ સેવાઓ પૂરી પાડતી ‘નાની કોર્પોરેટ કંપની’ તરીકે વિકસાવવાના અભિગમ સાથે આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું.
બેઠકમાં ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આ મોડલમાં સહયોગની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા પર ખાસ ભાર
મુલાકાત દરમિયાન મહિલા સશક્તિકરણ અને મહિલા ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે ગુજરાતની પહેલો અંગે પણ ચર્ચા થઈ. મહિલા સ્વાવલંબન ઇકોસિસ્ટમ અંતર્ગત હજારો મહિલાઓને અવેરનેસ, કૌશલ્ય તથા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આ પહેલ દ્વારા મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ સ્થાપવામાં મદદ મળી રહી છે અને તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. AKDNએ પણ મહિલા સ્વસહાય જૂથો અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે સહયોગ માટે રસ દર્શાવ્યો.
ગ્રાસરૂટ લેવલ પર સહયોગ વધારવા સહમતિ
પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગુજરાત સરકાર સાથે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ મજબૂત કરવાની તત્પરતા દર્શાવી. બંને પક્ષોએ પરસ્પર પૂરક ક્ષમતાઓના આધારે સહયોગને વધુ ગાઢ બનાવવા અને સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ અને પીપલ-સેન્ટ્રિક ડેવલપમેન્ટ માટે સાથે મળીને કાર્ય કરવાની દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો.
આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel