આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થાપિત થાય તેની આતુરતાપૂર્વ રાહ જોઇ રહ્યા છે, તો બીજી બાજુ અમદાવાદ, સુરત અને રાજકોટમાં સેંકડો ગર્ભવતી મહિલાઓ આગામી 22મી જાન્યારીના રોજ જ પોતાના સંતાનનો જન્મ થાય એવું આયોજન કરી રહી છે. આ મહિલાઓ સીઝેરિયનના ઓપરેશન દ્વારા 22 જાન્યારીના રોજ જ પોતાના નવજાત શીશુનો જન્મ થાય તેમ ઇચ્છી રહી છે, કેમ કે તેઓ પોતાના સંતાનના જન્મદિન તરીકે પણ 22 જાન્યારીનો દિવસ કાયમ માટે યાદગાર બની રહે એમ ઇચ્છી રહી છે.
એકલા અમદાવાદ શહેરમાં જ 500 ગર્ભવતી મહિલાઓ 22 જાન્યુઆરીના રોજ સંતાનને જન્મ આપે એવી શક્યતા છે, અને તે પૈકી 100 સગર્ભાઓ તો 22 જાન્યારીના રોજ જ સિઝેરિયનના ઓપરેશન થકી સંતાનને જન્મ આપવાનો દૃઢ નિર્ણય કરી લીધો છે. રાજકોટમાં પણ 22 જાન્યારીના રોજ 200 જેટલી ગર્ભવતી મહિલાઓ આ દિવસે સંતાનને જન્મ આપી શકે છે અને તે પૈકી સંખ્યાબંધ મહિલાઓએ સિઝેરિયન દ્વારા પોતાના સંતાનને જન્મ આપવા અત્યારથી જ હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ પણ બુક કરાવી લીધા છે. સમાન રીતે સુરત શહેરમાં પણ અનેક પ્રસુતાઓએ આ દિવસે જ પોતાના સંતાનને આ દુનિયામાં લાવવા માટે આયોજન કરી લીધું છે.
અમદાવાદ શહેરના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટે કહ્યું હતું કે આગામી 22 જાન્યારીના રોજ એકલાં અમદાવાદ શહેરમાં 500 જેટલી ગર્ભવતી મહિલાઓની ડિલિવરી થવાની શક્યતા છેસ જે પૈકી 100 મહિલાઓએ તો સિઝેરિયનના ઓપરેશન દ્વારા 22 જાન્યારીના રોજ જ પોતાની ડિલિવરી કરાવવાનો નિર્ણમય કરી લીધો છે. અમદાવાદ મેડિકલએસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલ ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતાં ડો. મોના દેસાઇએ કહ્યું હતું કે અમે શહેરના અનેક ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી તેમાંથી માહિતી પ્રાપ્ત થઇ છે કે અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ એવા દંપતિઓ છે જેઓ આગામી 22 જાન્યુઆરીના રોજ જ પોતાના ઘેર પારણું બંધાય એવી આશા રાખી રહ્યા છે. સાઉથ બોપલમાં આવેલી સાનિધ્ય મલ્ટિ સ્પેશિયાલિટિ હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચના શાહે પણ કહ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 7 ગર્ભવતી મહિલાઓએ ડિલિવરી માટે રૂમ બુક કરાવ્યા છે અને આ તમામ એમ ઇચ્છે છે કે તેઓના સંતાનનો જનમ 22 જાન્યારીના રોજ જ થાય, પરંતુ ત્રણ મહિલાઓએ તો 22 જાન્યુઆરીના રોજ ડિલિવરી કરાવવા અત્યારથી જ સિઝેરિયનના ઓપરેશનનું બુકિંગ પણ કરાવી લીધું છે.
જે ગર્ભવતી મહિલાઓને નવ મહિના પૂરા થઇ ગયા છે તેઓ હવે આગામી ત્રણ-ચાર દિવસમાં ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે, પરંતુ 22 જાન્યારીના દિવસે અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાઇ રહ્યો છે તેથી આ દિવસ સમગ્ર દુનિયા કાયમ માટે યાદ રાખશે તેથી આ મહિલો પોતાના બાળકનો જન્મ પણ 22 જાન્યુઆરીના રોજ જ થાય એમ ઇચ્છી રહી છે.