રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દેશની બેન્કો સાથે ડોલર – રૂપિયાના વિનિમયની પાકી રહેલી મુદતને કારણે દેશના નાણાં વ્યવસ્થામાં ડોલરની ખેંચ ઊભી થવાની ચિંતા પ્રવર્તી રહી છે. આરબીઆઈએ ગયા વર્ષે બેન્કો સાથે પાંચ અબજ ડોલર સામે રૂપિયાનું વિનિમય કર્યું હતું. આ વિનિમયની મુદત ૨૩ ઓકટોબરે પાકી રહી છે. ૨૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આરબીઆઈએ બેન્કોને પાંચ અબજ ડોલર આપી તેમની પાસેથી રૂપિયા મેળવ્યા હતા જે હવે રિઝર્વ બેન્કે તેમને ડોલર સામે પરત કરવાના છે, ફોરેકસ ટ્રેડરો જણાવી રહ્યા છે.
બેન્કોને વેચેલા ડોલરની રિઝર્વ બેન્ક ડિલિવરી પાછી લેશે અને તેને રોલઓવર નહીં કરે તેમ બજારમાં ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં દેશની નાણાં વ્યવસ્થામાંથી પાંચ અબજ ડોલર પાછા ખેંચાઈ શકે છે.
ડોલરની અછતની શકયતાને ધ્યાનમાં રાખી બેન્કો ખરીદ-વેચાણનું વિનિમય કરી રહી છે અથવા નજીકની ડિલિવરી માટે પ્રીમિયમ્સ મેળવી રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું. ખરીદ-વેચાણના વિનિમયમાં બેન્કો ડોલર ખરીદ કરીને પછીની કોઈ તારીખે તેનું વેચાણ કરે છે.
આ ખરીદ-વેચાણ માટે વિનિમય દર વચ્ચેના અંતરને ફોરવર્ડ પ્રીમિયમ તરીકે લેખવામાં આવે છે. સામાન્ય રીતે આ ફોરવર્ડ પ્રીમિયમ્સમાં બે કરન્સીઝ વચ્ચે વ્યાજ દરના તફાવતનું પ્રતિબિંબ જોવા મળે છે.
આરબીઆઈની ડોલર – રૂપિયાના વિનિમયની પાકતી મુદત બાબતની અટકળો તથા એક સરકારી બેન્ક દ્વારા ખરીદ-વેચાણના વિનિમયને કારણે ફોરવર્ડ પ્રીમિયમ્સમાં સતત ઘટાડા તરફી દબાણ જોવા મળી રહ્યું હોવાનું અન્ય એક ટ્રેડરે જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે એક સરકારી બેન્ક ગયા સપ્તાહથી ખરીદ-વેચાણનું વિનિમય કરી રહી છે અને તેણે ઈન્ટરબેન્ક ઓર્ડર મેચિંગ વ્યવસ્થા પર ઓકટોબરમાં અંદાજે એક અબજ ડોલર ઓફર કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.