આણંદ, બુધવારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરાયેલી મહિલા પોલીસની “સી” ટીમ દ્વારા મહિલાઓને અને તેમાંય ખાસ કરીને શાળા કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની સલામતી અને સ્વસુરક્ષા અંગે વધુ સજાગ અને જાગરૂક બની રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની “સી” ટીમ દ્વારા મહિલા સલામતી અને સુરક્ષા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા પોલીસની “સી” ટીમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત ૩૫ જેટલી મહિલાકર્મીઓ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામગીરી સંભાળી રહ્યા છે. ત્યારે આણંદ ટાઉન પોલીસમાં ફરજ બજાવતાં “સી” ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.પરમાર, સીટી ઇન્ચાર્જ એ.એસ.આઈ જશીબેન ચૌધરી અને તેમની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન, હેતલબેન અને હિરલબેન દ્વારા આણંદની કસ્તુરબા કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓની મુલાકાત લઈ તમામ દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી.
મહિલા પી.એસ.આઈ જે.બી.પરમારે દીકરીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં હાર માન્યા વગર જીવનને જીવી શકાય છે. ક્યારેય પણ કોઈ સ્થિતિના ડર કે ભયથી નાસીપાસ થઈને આત્મહત્યાનો વિચાર ક્યારેય કરવો જોઈએ નહીં અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી પડે ત્યારે તાત્કાલિક મદદ માટે ૧૦૦ નંબર ઉપર ફોન કરીને માર્ગદર્શન અને સહાય મેળવી લેવા તેમણે શાળાની દીકરીઓને સમજાવ્યું હતું.
સીટી ઇન્ચાર્જ એ.એસ.આઈ જશીબેન ચૌધરીએ ટોલ ફ્રી નંબર ૧૮૧ અને ૧૦૦ દ્વારા પોલીસ ટીમની મદદ મેળવવા માટેની માહિતી આપી દીકરીઓને પોતાની સલામતી અને સુરક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે દીકરીઓના મનમાં ઉદભવતા પ્રશ્નો સાંભળીને તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ કસ્તુરબા કન્યા વિદ્યાલયના રૈપટર ગંગાબેન સહિતના અન્ય સ્ટાફગણને પણ જરૂરી સુચના માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)