દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવારે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મંગળવારે આભ ફાટ્યા બાદ બે પુલ ધોવાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારબાદ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. આ સિવાય IMD એ પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દિલ્હીમાં વહેલી સવારે જ મેઘમહેર
દિલ્હી-એનસીઆરમાં બુધવારે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં ભારે વરસાદ બાદ વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજધાનીમાં ભારે વરસાદને લઈને પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું હતું. બીજી તરફ દિલ્હીમાં યમુના નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બુધવારે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની આશંકા છે. આ સાથે પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ ભારત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD એ ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં 26 જુલાઈના રોજ ભારે વરસાદ સાથે વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. આ સિવાય ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ આગામી 36 કલાકમાં લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે.
ઉત્તરાખંડ માટે ચિંતાજનક અહેવાલ
ઉત્તરાખંડના સાત જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જુલાઈએ હરિદ્વાર, નૈનીતાલ, ચમોલી અને યુએસનગરમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.