મંત્રીએ જન્મ અને લગ્ન નોંધણી પ્રમાણપત્રોનું વિતરણ કરી સીટી સેન્ટરની સુવિધાઓનો કરાવ્યો શુભારંભ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવનિર્મિત રાજ્યની ૩૧ નગરપાલિકાઓના સીટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બાલાસિનોર ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કપડવંજ નગરપાલિકા સ્થિત સીટી સીવીક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા, રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે ઉપસ્થિત રહી કપડવંજ નગરપાલિકા ખાતે સીટી સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કર્યું હતું. મંત્રીએ જન્મ અને લગ્ન નોંધણી પ્રમાણપત્રોનું વિતરણ કરી સીટી સેંટરની સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. સીટી સિવિક સેન્ટરની શરૂઆત થતા કપડવંજની અંદાજિત ૫૦ હજારથી વધુ વસ્તીને વિવિધ સેવાઓનો લાભ મળશે. આ સાથે મંત્રીના હસ્તે કપડવંજ નગરપાલિકા માટે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે સીટી સિવિક સેન્ટરની શરૂઆત થતાં કપડવંજના નાગરિકોને અનેકવિધ યોજનાઓ અને સેવાકીય દસ્તાવેજ માટેનો લાભ એક જ જગ્યાએથી મળી શકશે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારે બજેટમાં સ્ત્રી શિક્ષણ, યુવાનોના કૌશલ્ય અને પ્રાકૃતિક ખેતી માટે વિશેષ જોગવાઈઓ દ્વારા સામાજિક ઉત્કર્ષ માટેની કામગીરીને વધુ મજબૂત બનાવી છે.
વધુમાં તેઓએ આગામી સમયમાં કપડવંજમાં બાયપાસ રોડ બનાવવાના પ્રયાસ માટે પૂરતો સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ કપડવંજ ખાતે નવા સીટી સિવિક સેન્ટરના શુભારંભ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. કપડવંજ શહેરમાં થઈ રહેલા અનેકવિધ વિકાસ કામોની વાત કરી તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરને સીસીટીવી કેમેરા અને વાઈફાઈની સેવાઓ મળનાર છે.
કપડવંજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ દ્વારા કાર્યક્રમમાં સૌને આવકારવામાં આવ્યા હતાં. ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ દ્વારા પ્રાસંગિક ઉદૄબોદન કરવામાં આવ્યું હતું.
સીટી સિવિક સેન્ટરથી લાભ
કપડવંજ શહેરી વિસ્તારના નગારીકોને એક જ હોલમાં પોતાની અરજીઓના સ્થળ પર નિકાલ થઈ શકે તેમ તે માટે “સીટી સિવિક સેન્ટર” કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક વેરો, વાહન કર, મકાનના નકશાની મંજૂરી અને બિલ્ડીગ પ્લાનની મંજૂરી, જુના જન્મ અને મરણ પ્રમાણપત્ર,ગુમાસ્તાધારા નોંધણી, લારી ફેરીયા અંગેના લાયસન્સ, હોલ બુકિંગ, જુદી જુદી અરજીઓની સ્વીકૃતિ તથા અન્ય સેવાઓનો લાભ આપવામાં આવશે. આમ તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે અને સુનિશ્ચિત કરવામાં આવશે કે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ઓછામાં ઓછો સમયગાળો લેવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, ડીવાયએસપી વી.એન. સોલંકી, કપડવંજ મામલતદાર રમેશભાઈ પરમાર, કઠલાલ ચીફ ઓફિસર ઉર્મીલાબહેન, ઉપપ્રમુખ નિરવ પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશ પંડયા,જિલ્લા સહકારી સંઘ ચેરમેન જયેશ પટેલ, દંડક નિતિન ચોક્સી,કપડવંજ નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતાં.