કપડવંજ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીના દિવસો નજીકમાં હોઇ શક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે. શિવજીની ભક્તિનું પાવન પર્વ મહાશિવરાત્રી નજીકના દિવસોમાં હોઇ આ સમયમાં સારા ભાવ મળવાની અપેક્ષાએ આ પંથકના ધરતીપુત્રો શક્કરિયા તેમજ બટાકાના ઉત્પાદનને સમેટવાની તૈયારીમાં લાગી ગયા છે. હાલ શક્કરિયાના એક મણના ₹400 ભાવ છે નવાગામના ખેડૂત કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ ગત વષૅ કરતો આ વર્ષે શક્કરિયાના ઉત્પાદનમાં સારી ઉપજ મળી રહેશે અંદાજે એક વીઘા એ 250 મણથી પણ વધારે ઉતારો શક્કરિયાનો પાક આપી રહ્યો છે. સામાન્ય દિવસોમાં શક્કરિયાની કિંમત બજારમાં ઓછી જોવા મળે છે પરંતુ મહાશિવરાત્રીના દિવસોમાં શક્કરિયા બાફીને તેમજ શેકીને ખાવાની પરંપરા હોઇ આ દિવસોમાં એની માંગ વધારે રહેશે. આ દિવસોમાં શક્કરિયાનો ભાવ પણ સારો એવો મળતો હોઇ પંથકના ધરતીપુત્રો શક્કરિયા ની મીઠાશ બજાર સુધી પહોંચાડવામાં મશગુલ બન્યા છે. જે પ્રસ્તુત તસવીરમાં દેખાઈ રહ્યું છે.