સવારે ખાલી પેટે ખાવો જોઈએ ગોળ
ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ એક આયુર્વેદિક ઔષધી તરીકે પણ કામ કરે છે. એમ તો દરેક વ્યક્તિ જાણે છે કે ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લોકો તેને પોતાના આહારમાં અલગ અલગ રીતે સામેલ કરે છે. કોઈ રાતે ઊંઘતા પહેલા દૂધ સાથે ગોળ લે છે, કોઈ ભોજન સાથે ગોળ ખાય છે, તો કોઈ ગોળની ચા પીવે છે.
ગોળથી થાય છે સ્વાસ્થ્યને આશ્ચર્યજનક ફાયદા
જો કે તે ગમે તે રીતે ખાવામાં આવે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય છે, પરંતુ જો સવારે ખાલી પેટ તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. જો દરરોજ સવારે ગોળનો એક નાનો ટુકડો પણ ખાવામાં આવે તો સ્વાસ્થ્યને આશ્ચર્યજનક ફાયદા થાય છે.
પેટ માટે ખૂબ જ ફાયદાકારક
ગોળ પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટે ગોળ ખાઈને પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. જો કોઈને કબજિયાત કે એસિડિટીની સમસ્યા હોય તો સવારે ખાલી પેટે ગોળ ખાવાથી તેને ઘણી રાહત મળે છે. ગોળમાં કેટલાક તત્વો હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. ખાલી પેટે ગોળ ખાવાથી એન્જાઈમ સક્રિય થાય છે જે પેટમાં ખોરાકને પચાવે છે. જેના કારણે કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે અને પેટ સાફ રહે છે.
શરીરને મળે છે ભરપૂર માત્રામાં આયર્ન
ગોળમાંથી સારી માત્રામાં આયર્ન મળે છે. રોજ સવારે ખાલી પેટ ગોળ ખાવાથી અને પાણી પીવાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે અને આયર્નની ઉણપ દૂર થાય છે. ગોળ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. ગોળમાં કાર્બોહાઇડ્રેટ પણ જોવા મળે છે, જે શરીરને ભરપૂર ઊર્જા પ્રદાન કરે છે અને આખો દિવસ શરીરને ખૂબ ઉર્જાવાન બનાવે છે. જો તમે દિવસભર થાક અનુભવો છો, તો ગોળ ખાવાથી તે સમસ્યા પણ દૂર થઈ શકે છે.
બ્લડ પ્રેશરને રાખે છે કંટ્રોલમાં
બ્લડ પ્રેશરના દર્દીએ સવારે ખાલી પેટે ગોળ ખાઈને પાણી પીવું જોઈએ. સવારે ખાલી પેટે ગોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે શરીરના એસિડિક એજન્ટોને ઘટાડે છે અને રેડ બ્લડ સેલ્સને હેલ્ધી બનાવે છે.
રોગપ્રતિકારક શક્તિ થાય છે મજબૂત
સવારે ખાલી પેટે ગોળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેનાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. ગોળમાં વિટામીન C, B6 અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, સાથે જ તે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. જે ઈમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરે છે.
ઘટે છે વજન
વધતાં વજનથી પરેશાન વ્યક્તિએ ગોળ ખાવો જોઈએ. ગોળ વજન ઘટાડવામાં મદદ કરે છે. ગોળમાં હાજર પોટેશિયમ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે સવારે ખાલી પેટે ગોળ ખાઈને પાણી પીવાથી શરીરના વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.