સંસદના બજેટ સત્ર દરમિયાન ભારે હોબાળો મચાવવા અને કાગળો ફાડીને લોકસભા અધ્યક્ષની ખુરશી તરફ ફેંકવાના આરોપમાં વિપક્ષના કુલ આઠ સાંસદોને બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર (3 ફેબ્રુઆરી)ના રોજ લોકસભામાં થયેલા અશોભનિય વર્તન બાદ કરવામાં આવી હતી. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ આ અંગે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે મંજૂરી આપતાં જ સસ્પેન્શનનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો.
3 ફેબ્રુઆરીએ બપોરે લોકસભાની બેઠક ફરી શરૂ થઈ ત્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બોલવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેમણે ફરીથી એ જ લેખ વાંચવાનું શરૂ કર્યું, જેના કારણે એક દિવસ અગાઉ ગૃહની કાર્યવાહી ઠપ થઈ ગઈ હતી. લોકસભા અધ્યક્ષે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાહુલ ગાંધી ના માનતાં અધ્યક્ષે અન્ય સાંસદોને બોલવાની પરવાનગી આપી હતી.
રાહુલ ગાંધીને આગળ બોલવાની તક ન મળતાં વિપક્ષી સાંસદો ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ગૃહમાં ભારે હોબાળો થયો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને કેટલાક સાંસદોએ કાગળો ફાડી લોકસભા અધ્યક્ષની ખુરશી તરફ ફેંક્યા હોવાનો આરોપ છે. પરિસ્થિતિ બેકાબૂ બનતાં લોકસભાની કાર્યવાહી બીજા દિવસ સુધી માટે સ્થગિત કરવી પડી હતી.
આ ઘટનાના પગલે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ હોબાળો મચાવનાર સાંસદો સામે કડક પગલાં લેવાની માગ સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ પસાર થયા બાદ કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)ના કુલ આઠ સાંસદોને બાકીના બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના મનિકમ ટાગોર (તમિલનાડુ), ગુરજીત સિંઘ ઔજલા (અમૃતસર), અમરિંદર સિંઘ રાજા વારિંગ (લુધિયાણા અને પંજાબ કોંગ્રેસ પ્રમુખ), હિબી એડન (એર્નાકુલમ), કિરણ કુમાર રેડ્ડી (ભુવનગિરી, તેલંગાણા), પ્રશાંત પડોલે (વિદર્ભ, મહારાષ્ટ્ર), ડીન કુરિયાકોસ (ઇડુક્કી) અને સીપીઆઈ(એમ)ના એસ. વેંકટેશન (મદુરાઈ)નો સમાવેશ થાય છે. એસ. વેંકટેશન તમિલનાડુના જાણીતા લેખક અને સાહિત્યકાર પણ છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સંસદની ગૌરવપૂર્ણ પરંપરા જાળવવા માટે આવું કડક પગલું લેવાયું છે. જ્યારે વિપક્ષે આ કાર્યવાહીનો વિરોધ કરતા તેને અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સસ્પેન્શન બાદ સંસદનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને બજેટ સત્ર દરમિયાન સરકાર-વિપક્ષ વચ્ચે ટકરાવ વધુ તેજ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel