બિહારમાં ચાલી રહેલી મતદાર વેરિફિકેશન પ્રક્રિયા અને નવી મતદાર યાદી જાહેર થવા બાદ ઊભેલા વિવાદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યાં મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી. અદાલતે સ્પષ્ટ કહ્યું કે જો વેરિફિકેશન પ્રક્રિયામાં ગડબડ અથવા ગેરરીતિ સાબિત થાય તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામોને રદ કરવામાં આવી શકે છે. સાથે જ અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે નાગરિક કે બિન-નાગરિકને મતદાર યાદીમાં સામેલ કરવો કે દૂર કરવો તે સંપૂર્ણપણે ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે.
આ મુદ્દે અગાઉની સુનાવણીમાં પણ ચૂંટણી પંચે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડને નાગરિકતાનું પ્રમાણ માનવાની ના પાડી હતી, જે બાબતે સુપ્રીમ કોર્ટ સહમત રહ્યું અને જણાવ્યું કે આધાર કાર્ડ માત્ર ઓળખનું પ્રમાણ છે, નાગરિકતાનું નહીં. સુનાવણી દરમિયાન પક્ષકાર યોગેન્દ્ર યાદવે બે એવા લોકો અદાલત સમક્ષ હાજર કર્યા કે જેઓ જીવિત હોવા છતાં નવી યાદીમાં “મૃત” તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આને લઈને તીવ્ર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ પ્રકારના નાટક ટીવી સ્ટૂડિયોમાં ચાલે, જ્યારે હકીકતમાં આવા કેસોમાં ફોર્મ ભરીને સુધારા કરાવવાની તક ઉપલબ્ધ છે. અદાલતે નાગરિકો દ્વારા કોર્ટમાં આવીને પોતાનો મુદ્દો રજૂ કરવાની પરંપરાને પ્રશંસનીય ગણાવી. કેસમાં અરજદારના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે બિહારમાં વેરિફિકેશન દરમિયાન 7.24 કરોડ લોકોએ ફોર્મ ભર્યા, પરંતુ 65 લાખ લોકોના નામ કોઈ તપાસ વિના જ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા અને ચૂંટણી પંચે કોઈ મેદાની સર્વે પણ કર્યો નહોતો, જેમાંથી 12 લોકો જીવિત હોવા છતાં મૃત જાહેર થયા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે આ માત્ર ડ્રાફ્ટ યાદી છે અને દરેકને સુધારાની તક આપવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટએ પૂછ્યું કે કેટલાં લોકોને “મૃત” જાહેર કરવામાં આવ્યા છે અને અધિકારીઓએ આ બાબતમાં કેટલું કામ કર્યું છે, તેમજ દસ્તાવેજોની ખરાઈ અંગે સવાલ કર્યો કે જો 2003થી માતા-પિતા મતદાર યાદીમાં છે તો તેમના પુત્ર-પુત્રી માટે નવા દસ્તાવેજોની જરૂર પડશે કે નહીં, જેના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર માતા-પિતાની મતદાર તરીકેની વિગતો પૂરતી રહેશે. ન્યાયાધીશે આ મામલાને વિશ્વાસની ખામીનો મુદ્દો ગણાવ્યો અને અંતે સ્પષ્ટ કર્યું કે જો સપ્ટેમ્બર અંત સુધી અરજદારો ગેરરીતિ સાબિત કરવામાં સફળ રહેશે તો આ સંપૂર્ણ વેરિફિકેશન પ્રક્રિયા રદ કરી શકાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel