ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ કહ્યું કે હમાસનું અસ્તિત્વ જ પૃથ્વી પરથી મિટાવી દઇશું. તેમણે કહ્યું કે પેલેસ્ટિની આતંકી સમૂહના તમામ આતંકીઓના મોત હવે નિશ્ચિત છે.
હમાસની તુલના કરી દાએશ સાથે…
શનિવારે હમાસ તરફથી ઈઝરાયલ પર ભયાનક હુમલા બાદ પ્રથમ વખત નેતન્યાહૂએ હમાસનો ખાત્મો બોલાવી દેવા વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હમાસ દાએશ જેવું છે જેને ઈસ્લામિક સ્ટેટ સમૂહ તરીકે ઓળખવામાં આવતું હતું. અમે હમાસનો અંત લાવી દઈશું જે રીતે દાએશને દુનિયાને ખતમ કરી દીધો.
ઈમરજન્સી સરકારની રચના
જ્યારે ઈઝરાયલના સંરક્ષણમાંત્રી યોઆવ ગેલેન્ટે કહ્યું કે અમે પૃથ્વી પરથી જ હમાસના અસ્તિત્વનું અંત લાવી દઈશું. નેતન્યાહૂએ યુદ્ધ વચ્ચે અસ્થાયી રીતે રાજકીય મતભેદો ભૂલીને સરકારમાં વિપક્ષને સામેલ કરીને એક યુનિટી સરકારની રચના કરી દીધી છે. આ નવી ઈમરજન્સી સરકારમાં પૂર્વ સંરક્ષણમંત્રી બેની ગેન્ટ્સને સામેલ કરાયા છે.
ગાઝાવાસીઓ થયા બેઘર
સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર ગાઝા પર ઈઝરાયલના બેફામ હુમલાઓને પગલે અત્યાર સુધી 3 લાખ 38 હજાર ગાઝાવાસીઓએ તેમના નિવાસ ગુમાવવા પડ્યા છે. એક અહેવાલ અનુસાર ઈઝરાયલે હમાસના કબજાવાળા ગાઝાપટ્ટીમાં લગભગ 3 લાખ રિઝર્વ ફોર્સ તહેનાત કરી દીધી છે.