અમદાવાદમાં આજે સવારે AMTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં 19મી જાન્યુઆરીની સવારે અચાનક બસમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે આસપાસ ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા, જેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, AMTS બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. થોડા જ સમયમાં આગ લાગી હોવાનું જણાતાં બસના ડ્રાઈવર અને કંડક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજી સમયસૂચકતા દાખવી હતી.
ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક બસ રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. તેમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ વાહનોના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel