વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને 16 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે દેશના દરેક ક્ષેત્રની અર્થવ્યવસ્થાના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આજે દુનિયા ભારતની તાકાતને ઓળખવા લાગી છે.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત CIIના પોસ્ટ-બજેટ સેમિનારમાં પીએમ મોદીએ કહ્યું કે, તમામ સંકટ અને પડકારો હોવા છતાં વિશ્વના દેશોમાં અન્ય કોઈ દેશ ભારતની જેમ પ્રગતિ કરી શકયો નથી. તેમણે કહ્યું કે, ટેકનોલોજી વર્તમાન છે તેમ ટેકનોલોજી ભવિષ્ય છે. અમારી સરકાર આના પર ફોકસ કરીને કામ કરી રહી છે. લાખો યુવાનોનું ભવિષ્ય આ ટેક્નોલોજી સાથે જોડાયેલું છે.
અગાઉ માત્ર જાહેરાતો થતી હતી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 પહેલા બજેટમાં માત્ર જાહેરાતો જ થતી હતી. અગાઉની સરકારોમાં કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ કરવા પર કોઈ ભાર નહતો અપાતો. પરંતુ આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. જો આપણે આ રીતે પ્રગતિ કરીશું તો ભારત ટૂંક સમયમાં વિકસિત દેશ બની જશે.
બજેટ પછીના સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સરકારે રેલવેના બજેટમાં આઠ ગણો વધારો કર્યો છે. ભારતીય રેલવે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. સરકારે કૃષિ માટેના બજેટમાં 4 ગણો વધારો કર્યો છે. ખેડૂતોના કલ્યાણની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવો છે.
જો આ સમસ્યા સર્જાઈ ના હોત તો ભારત વધુ આગળ હોત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારતે દરેક ક્ષેત્રમાં વિકાસ હાંસલ કર્યો છે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારની આફતો થતી રહી. વચ્ચે આપણે દરેક પડકાર ઉકેલ્યા. વિવિધ દેશોમાં મહામારીથી લઈને યુદ્ધો સુધીની અસરો પણ આપણે સહન કરી છે. પીએમ મોદીએ કહ્યું કે જો આ પડકારો ના આવ્યા હોત તો ભારત આજે જ્યાં છે ત્યાંથી ઘણું આગળ વધી ગયું હોત.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારતમાં ફોકસ જીવનની સરળતા પર છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આપણા યુવાનો હિંમતવાન છે. આજે દેશમાં 1 લાખ 40 હજાર નવા સ્ટાર્ટ અપ છે.