એક વહેપારી પોતાના બે લાખ રૂપિયા રૂપિયા ખર્ચીને ગરનાળું કવર કરવા માટે આરસીસી પાઇપો લાવી છતાં નગરપાલિકાના પાપે ગરનાળું તો ખુલ્લું જ રહ્યું
વર્તમાન સમયમાં જ્યારે કેન્દ્રથી લઈને ગાંધીનગર બધે જ સ્વચ્છતાની વાતો થઈ રહી હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વાતને સાર્થક કરવા અનેક કાર્યક્રમો કરી રહ્યા હોય, જિલ્લા કલેકટર જ્યારે અલગ અલગ તાલુકામાં રાત્રિ સભામાં સ્વચ્છતા રાખવા પર અને ભીનો કચરો સુકો કચરો અલગ અલગ રાખવા પર સમજાવી રહ્યા હોય ત્યારે ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશોએ કઈક વિરોધાભાષી જ વલણ અપનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
થોડા મહિના અગાઉ જ ચોમાસાના સમયમાં ઉમરેઠમાં ગંદકીનું સામ્રાજ્ય એવું છવાયું હતું અને ગટરોની ગંદકી રસ્તા પર ઉભરાતી હતી તેવા સમયમાં નગરમાં ઝાડાઉલ્ટીનો રોગચાળો ફેલાઈ ગયો હતો. ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સુવડવા ની જગ્યા નહોતી બચી તો દવાખાનામાં નીચે સુવડાવી દર્દીઓની માવજત કરવામાં આવી રહી હતી. આ રોગચાળામાં એક રોહિત સમાજના માજી, એક દરબાર સમાજના યુવા બહેન એમ કુલ ત્રવ વ્યકિતઓએ જીવ ગુમાવ્યો હતો. છતાં સ્થાનિક સત્તાધીશોના પેટનું પાણી પણ હાલી નથી રહ્યું તેમ લાગી રહ્યું છે.
ઉમરેઠ ખાતે માર્કેટ યાર્ડમાં અલગ અલગ અનાજના હોલસેલ વેપારની ઘણીબધી દુકાનો આવેલી છે. માર્કેટ યાર્ડમાં થી ઓડ હાઇવે પર નીકળતા મુખ્ય રોડની પાસે વર્ષો જૂની એક ગંદા પાણીની કાંસ આવેલી છે. ચોમાસાના સમયમાં તો આમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે પણ તે સિવાયની સીઝનમાં રોજ ગંદુ પ્રદૂષિત પાણી આ કાંસમાંથી વહેતું જ રહે છે. આ જગ્યાએ પાંચ મિનિટ ઊભા રહી ન શકાય તેવી દુર્ગંધ આવતી હોય છે. ઉમરેઠના એક વ્યવસાયી કિરીટભાઈ ચંપકલાલ ગાભાવાલા દ્વારા આ ગંદકીના નિવારણ માટે ઉમરેઠ નગરપાલિકા સાથે વાત કર્યા બાદ દોઢથી બે લાખ રૂપિયા ખર્ચીને ચાર ફૂટ ડાયામીટરની પાઇપો વસાઈ દીધી. પાઇપો વસાવ્યા બાદ નગરપાલિકા દ્વારા ફિટીગ નું કામ શરૂ ન કરાતા પાઇપો લાવનાર દ્વારા વારંવાર નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું. છતાં નગરપાલિકા દ્વારા આ પાઇપોનું ફિટીગ ન જ કરાતા પાઇપો લાવનારે કહ્યું કે જો નગરપાલિકા પરમિશન આપી તો અમે જાતે આ પાઇપ અંડરગ્રાઉંડ ફિક્સ કરાવી દઈએ. છતાં નગરપાલિકા દ્વારા આ પાઇપ ફિટ કરીને આ કાંસ પૂરવામાં ના આવી તે ના જ આવી. રસ્તાની સાઇડ પર લાંબા સમયથી મુકેલી આરસીસી પાઇપને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અને રસ્તા પર પડી પડી પાઇપ ખરાબ થતી હોવાથી છેવટે કિરીટભાઈ ગભવાલા દ્વારા આ પાઇપો ત્યાંથી હટાવી દેવી પડી.
આ જ પરિસ્થિતિમાં આખું ચોમાસું ગયું અને અત્યારે પણ આ કાંસ એ જ રીતે ખુલ્લી છે અને ગંદુ પ્રદૂષિત પાણી તેમાંથી ખુલ્લું વહી રહ્યું છે. શું આવી ખુલ્લી કાંસની ગંદકીને કારણે ગામમાં રોગચાળો ફેલાય તો જવાબદારી કોની ? આ નગરપાલિકાના ઘોર નિંદ્રામાં સૂતા સત્તાધીશો આની જવાબદારી પોતાના શિરે લેશે ?