ભારત વિશ્વના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડની 6 દિવસની વિદેશ મુલાકાતે યુકે પહોંચ્યા છે. આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમની આ મુલાકાતથી બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ગાઢ બનશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપારિક રણનીતિ ભાગીદારી છે.
મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો કરશે
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર મંગળવાર અને બુધવારે બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરશે અને યુકેમાં ભારતીય સમુદાયના અન્ય ઘણા મહાનુભાવો અને સભ્યોને મળશે. તેમની બંધ બારણે ચર્ચાઓ તાજેતરમાં ફરીથી શરૂ થયેલી ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટો, વ્યાપક વિદેશ નીતિ અને સુરક્ષા મુદ્દાઓ અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે રાજદ્વારી નેતૃત્વ પૂરું પાડવાના યુકેના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ડબલિનમાં આયર્લેન્ડના વિદેશ મંત્રીને મળશે
આ ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર એક સત્રમાં ભાગ લેશે. ગુરુવારે તેઓ ડબલિનમાં આયર્લેન્ડના વિદેશ મંત્રી સિમોન હેરિસ અને આયર્લેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યોને મળશે.
માન્ચેસ્ટર શહેરમાં બીજા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે જે લોકશાહી મૂલ્યો, સાંસ્કૃતિક સંબંધો અને વધતા આર્થિક સંબંધો પર આધારિત છે. વિદેશ મંત્રી શુક્રવારે ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરવા માટે યુકે પરત ફરશે. ત્યારબાદ શનિવારે ઉત્તરી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં બીજા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. 8 માર્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે વિદેશી સમુદાય માટે એક કાર્યક્રમના આયોજનની સંભાવના છે.