મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા.
#WATCH | Mumbai, Maharashtra | NCP leader Chhagan Bhujbal takes oath as a minister in the Maharashtra government at the Raj Bhavan.
Maharashtra CM Devendra Fadnavis, deputy CMs Eknath Shinde and Ajit Pawar also present. pic.twitter.com/B215pQvRkP
— ANI (@ANI) May 20, 2025
તેમણે શાકભાજી વેચનાર તરીકે પણ કામ કર્યું, ભુજબળની પ્રોફાઇલ જાણો
છગન ભુજબળ મહારાષ્ટ્રના એક જાણીતા રાજકારણી છે. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ થયો હતો. તેઓ નાસિક જિલ્લાના યેવલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે શરૂઆતના જીવનમાં મુંબઈના ભાયખલા માર્કેટમાં શાકભાજી વેચવાનું કામ કર્યું. તેમણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે.
ભુજબળે ૧૯૬૦ના દાયકામાં શિવસેના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને લગભગ ૨૫ વર્ષ સુધી પાર્ટી સાથે રહ્યા હતા. તેઓ ૧૯૮૫માં માઝગાંવથી શિવસેનાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બે વાર આ બેઠક જીતી હતી. ૧૯૯૧માં, મંડળ આંદોલન દરમિયાન ઓબીસી અનામતના મુદ્દા પર શિવસેના સાથેના મતભેદોને કારણે, તેઓ પાર્ટી છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. બાદમાં, જ્યારે શરદ પવારે 1999માં NCPની રચના કરી, ત્યારે ભુજબળ તેમની સાથે ગયા. તે જ વર્ષે, તેઓ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્યા.
ભુજબળે ગૃહ, જાહેર બાંધકામ (પીડબ્લ્યુડી), ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો જેવા વિવિધ મંત્રાલયોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તાજેતરમાં, 20 મે 2025 ના રોજ, તેમણે ફરીથી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. ભુજબળ હાલમાં અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે છે, જે મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને NCP) નો ભાગ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં, NCPએ 41 બેઠકો જીતી હતી.
૨૦૧૬માં, ભુજબળની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે તેઓ બે વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. બાદમાં તેને જામીન મળી ગયા. 2024 માં મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળવાથી ભુજબળ નારાજ હતા અને તેમણે અજિત પવાર પર નિશાન સાધ્યું હતું.