સુરતના અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટના નેટવર્કના તાર ચેન્નાઈ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ચેન્નાઈથી પોતાના જ ઘરે ઉંઘતો જ ઝડપી લીધો છે. સાથે જ નકલી નોટ છાપીને દેશના અનેક ભાગમાં પહોંચાડી, અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા વધુ એકને દબોચી લેવાયો છે. આ પહેલા સુરત, ત્યારબાદ રાજસ્થાન જે બાદ બેંગાલુરુ અને હવે ચેન્નાઈ એમ ચારેય શહેરોમાંથી પોલીસે 4 આરોપીઓને આ કેસમાં પકડી પાડ્યા છે.
સુરત પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને ગત 21 એપ્રિલ 2023એ વહેલી સવારે આરોપી સુર્યા સેલ્વારાજ ને ઊંઘતો જ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનુ મીની કારખાનુ મળી આવતા સ્થાનીક પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે તેના ઘરમાંથી 17 લાખની કિમતની બનાવટી ચલણી નોટ ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ સ્ટેમ્પ પેપર નંગ-23,070, ત્રણ કલર પ્રિંટર, કટર મશીન નંગ-3, લેમીનેશન અને હિટીંગ મશીન, વોટર માર્કર, સિક્યુરીટી થ્રેડ નંગ-70, સિક્યુરીટી થ્રેડ ફીટ કરેલ ચાઈના કાગળ નંગ-20 સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં આજદિન સુધીમાં કુલ-4 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.22,79,500ની બનાવટી ભારતીય ચલણી નોટ કબ્જે કરવામાં આવી છે.
ચેન્નાઈથી પકડાયેલો આરોપી સૂર્યા થ્રી-ડી પ્રિન્ટિંગ જાણતો હતો અને તેણે જ નકલી નોટો છાપીને સુરત સુધી પહોંચાડી હતી. તેની પાસેથી 3 પ્રિન્ટર મશીન, લેપટોપ પણ પોલીસે જપ્ત કર્યા છે. SOG પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. તો પોલીસે આરોપીના ઘરેથી વધુ 17 લાખની નકલી ચલણી નોટો પણ જપ્ત કરી છે. આરોપી સૂર્યાને શેરબજારમાં નુકસાન ગયું હતુ અને તેણે પૈસાદાર થવા આ ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો. સુરત પોલીસ એક જાગૃત નાગરિકના ફોન મારફતે આખાય કૌભાંડનો પર્દાફાશ કરી શકી છે.
થોડા દિવસ પહેલા પોલીસને નકલી નોટ વટાવાતી હોવાનો ફોન આવ્યો હતો અને આ ફોનને ગંભીરતાથી લઈને અમરોલીમાંથી પહેલા એક આરોપીને પકડી પાડ્યો છે. તેની પાસેથી 16 હજારની નકલી નોટો પોલીસે જપ્ત કરી હતી. આ આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આ નકલી નોટ રાજસ્થાનમાં રહેતા તેના પિતરાઈ પાસેથી લીધી હતી. પિતરાઈને પણ પોલીસે પકડ્યો અને તેની પાસેથી પણ 76 હજારની નોટ જપ્ત કરી. તેણે બેંગાલુરુના આરોપીની માહિતી આપી હતી.
આ આરોપીને પણ પોલીસે પકડીને 4 લાખ 89 હજારની નકલી નોટ જપ્ત કરી હતી. તેની તપાસમાં સામે આવ્યું કે, ચેન્નાઈનો સૂર્યા આખાય ચેઈનનો મુખ્ય માસ્ટરમાઈન્ડ છે. સુર્યાને પોલીસે ઘરમાંથી જ સૂતેલો ઉઠાવી લીધો અને તેના પાસેથી પણ 17 લાખથી વધુની નોટ પકડી પાડી. હજુ આ કૌભાંડમાં અનેક નામો ખુલી શકે છે. આરોપી સુર્યાએ બે કરોડથી વધુની નકલી લોકો દેશભરના શહેરોમાં ફરતી કરી છે.