રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ તાલુકાઓ માં નોકરી કરતા 150 થી વધુ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં તાપી જિલ્લામાં ફરજ બજાવતા સાતે સાત તાલુકા વિકાસ અધિકારીઓની પણ રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે વિશાલ પટેલ એક વર્ષ પહેલા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીમાં વિશાલ પટેલની પણ બદલી વલસાડ જિલ્લાના પારડી ખાતે કરવામાં આવી છે. જે અંતર્ગત ગતરોજ ડોલવણ તાલુકામાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોણીની અધ્યક્ષતામાં એમનો વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ડોલવણ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ, તાલુકા ભાજપા મહામંત્રી, તાપી જિલ્લા પંચાયતના સભ્યો, સુમુલ ડેરીના ડિરેક્ટર, ડોલવણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તથા મોટી સંખ્યામાં ડોલવણ તાલુકામાંથી સરપંચો તથા મોટી સંખ્યામાં વિવિધ અધિકારીઓ તથા ડોલવણ તાલુકા પંચાયતના દરેક વિભાગના અધિકારીઓ અને સ્ટાફગણ મોટી સંખ્યામાં તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિશાલભાઈ પટેલને એમના વતન માં બદલી થતાં અભિનંદન આપ્યા હતા અને સાથે સાથે ડોલવણ તાલુકા પંચાયતમાંથી વિદાય લેતા દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ડોલવણ તાલુકા પંચાયતમાં કરેલી સારી કામગીરી બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો, અને સાથે સાથે આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પ્રમોશન લઈને પાછા તાપી જિલ્લામાં આવે અને તેમની સેવાનો લાભ ડોલવણ તાલુકાને મળે એવી આશા વ્યક્ત કરી હતી. આવનારા ભવિષ્ય માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે આ એક ખૂબ દુઃખની ગળી છે અને સાથે ખુશીની પણ ગળી છે કારણ કે અહીંથી વિદાય લેવી એ એક દુઃખની બાબત છે જ્યારે પોતાના વતનમાં બદલી થઈ તે ખુશીની બાબત છે. પોતાના સમય દરમિયાન તાલુકા પંચાયતના વિવિધ વિભાગના કર્મચારીઓ સાથે થયેલી કામગીરીના અનુભવને ખૂબ સારી રીતે વ્યક્ત કર્યો હતો. એમણે આશા વ્યક્ત કરી હતી કે હું પાછો પ્રમોશન લઈને ડોલવણ તાલુકામાં આવીશ એવી આશા પણ વ્યક્ત કરી હતી. પોતાના પ્રસંગિક પ્રવચન દરમ્યાન એમની આંખો ભીની થઈ ગઈ હતી. ડોલવણ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા એમના વિદાય દરમિયાન હોલમાંથી બહાર નીકળતી વખતે પુષ્પ વર્ષા કરી એમને એક યાદગાર વિદાય આપવામાં આવી હતી.
રિપોર્ટ- વિકાસ શાહ(તાપી )