ચીન દુનિયાનો એવો દેશ છે જયાં સેલિબ્રેટી, ઉધોગપતિ અને નેતાઓ ગૂમ થતા રહે છે. અચાનક જ ગૂમનામીની ગર્તામાં જીવવા લાગે છે અને દિવસો સુધી દુનિયાને તેની ભાળ મળતી નથી. ચીનની સામ્યવાદી સરકાર પર જ મહાનુભાવોને ગૂમ કરી દેવાના આરોપ મઢાતા રહયા છે. ઉધોગપતિ જેક મા એ મહિનાઓ અચાનક જ જાહેરમાં દેખાવાનું બંધ કરી દીધું હતું. આજકાલ ચીનના ગૂમશુદા વિદેશમંત્રી કિન ગેંગની ખૂબ ચર્ચા ચાલે છે.
તેઓ કેટલાય સપ્તાહથી દેખાયા નથી તેની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાવા લાગી છે. ચીનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર લાપતા વિદેશમંત્રી કિન ગેંગને પદ પરથી દૂર કરીને વાંગ યીને વિદેશમંત્રી બનાવાયા છે. વિદેશમંત્રી કિન ગેંગ હજુ પણ કયાં છે ત્યાં અંગે કોઇ જાણતું નથી. ગેંગ છેલ્લા ૨૫ જુનના રોજ રશિયા, શ્રીલંકા અને વિયેતનામી અધિકારીઓ સાથેની બેઠકમાં જોવા મળ્યા હતા ત્યાર પછી ગુમનામીની ગર્તામાં ધકેલાયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સરકાર મહાનુભાવોને ગૂમ કરવા માટે પંકાયેલી છે. ખાસ કરીને સરકાર વિરોધી જાહેર મત રજૂ કરનારા પર હંમેશા જોખમ તોળાતું રહે છે.