ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (21 ઑગસ્ટ, 2025) પત્રકાર અને યુટ્યુબર અભિસાર શર્મા વિરુદ્ધ ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી છે. આ કેસ ગુવાહાટીના નયનપુર, ગણેશગુરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આલોક બરુઆ દ્વારા નોંધાયો હતો, જેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાયેલા છે. બરુઆએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે અભિસાર શર્માએ યૂટ્યૂબ પર મૂકેલા એક વિડીયોમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્મા પર સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે રામરાજ્યની વિચારધારાની મજાક ઉડાવતાં સરકાર પર ફક્ત “હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ”ના આધાર પર ચાલવાનો આરોપ મૂક્યો હતો.
બરુઆના જણાવ્યા મુજબ, આ નિવેદનો દુષિત ઈરાદાથી કરાયેલા હતા, જે ચૂંટાયેલી સરકારની બદનામી કરવા, ધાર્મિક જૂથોમાં દુશ્મની ફેલાવવાનો પ્રયાસ કરવા અને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે પૂરતા છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે શર્માનો આ વિડીયો સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેના કારણે લોકોમાં ધાર્મિક આધારિત વિભાજનની ચર્ચા શરૂ થઈ છે, જે સામાજિક સૌહાર્દને જોખમમાં મૂકી શકે છે.
આ કેસમાં અભિસાર શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (રાજદ્રોહ), 196 (ધર્મ-જાતિ આધારિત દુશ્મની ફેલાવવી) અને 197 (રાષ્ટ્રીય એકીકરણને નુકસાન પહોંચાડતા નિવેદનો) હેઠળ ગુનો નોંધાયો છે. ખાસ નોંધનીય છે કે આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે થોડા દિવસો પહેલાં જ ગુવાહાટી પોલીસે ધ વાયરના સિદ્ધાર્થ વરદરાજન અને કરણ થાપરને સમાન કલમો હેઠળ સમન્સ મોકલ્યા હતા, જોકે સુપ્રીમ કોર્ટએ તેમને તાત્કાલિક રાહત આપી છે.
અભિસાર શર્મા અગાઉથી જ અનેક વિવાદો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ એક સમયે ટેલિવિઝન પત્રકાર રહ્યા હતા અને પછીથી વિવાદાસ્પદ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયા હતા. 2021થી ન્યૂઝક્લિક પર વિદેશી ફંડિંગ, ખાસ કરીને ચીન સાથેના સંબંધોના આરોપો લાગ્યા હતા. 2023માં દિલ્હી પોલીસે આ મામલે અભિસાર શર્મા સહિત ઘણા લોકોના ઘરો પર દરોડા પાડ્યા હતા અને તેમનો લેપટોપ તથા મોબાઈલ જપ્ત કર્યો હતો. ન્યૂઝક્લિક પર ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે 38 કરોડથી વધુનું વિદેશી ફંડિંગ મળ્યાનો આરોપ હતો. આ મામલે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે આસામમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી નવી FIRને કારણે અભિસાર શર્મા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે, અને આ કેસની આગળની તપાસ ગુવાહાટી પોલીસે હાથ ધરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom