PM મોદીએ શુક્રવારે G7 સમિટમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. એવી અપેક્ષા છે કે, આ વખતે પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવશે. PM મોદીએ 87 વર્ષીય પોપ ફ્રાન્સિસને ગળે લગાવ્યા અને હળવાશથી વાતો કરતા જોવા મળ્યા. PM મોદી દ્વારા પોપ ફ્રાન્સિસને પણ વર્ષ 2016 અને 2021માં ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે આવ્યા નહોતા. આ વખતે પણ PM મોદીએ વેટિકન ચીફ પોપ ફ્રાન્સિસને ઈટાલીમાં G7 સમિટ દરમિયાન ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, પોપ ફ્રાન્સિસ આવે છે કે નહીં અથવા તેઓ ક્યારે આવે છે. જો તે આવે છે તો તે હિંદુ બહુમતી રાષ્ટ્રની તેમની પ્રથમ મુલાકાત હશે.
ઇટાલીના અપુલિયામાં G7 સમિટના ‘આઉટરીચ સેશન’માં PM મોદી અને પોપ ફ્રાન્સિસ ઉષ્માભર્યા મળ્યા હતા. PM મોદીએ કહ્યું કે, હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને સુધારવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. તેમજ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ પોપ ફ્રાન્સિસે પણ આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન પરના ‘આઉટરીચ સેશન’માં તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, AIનો વધુ સારો ઉપયોગ કરવો તે આપણામાંના દરેક પર નિર્ભર છે.
Met Pope Francis on the sidelines of the @G7 Summit. I admire his commitment to serve people and make our planet better. Also invited him to visit India. @Pontifex pic.twitter.com/BeIPkdRpUD
— Narendra Modi (@narendramodi) June 14, 2024
મોદી પહેલા કયા પૂર્વ PM તેમને મળ્યા છે?
તમને જણાવી દઈએ કે, PM મોદી રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસને મળનારા ભારતના પાંચમા વડાપ્રધાન છે. PM મોદી પહેલા પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ઈન્દર કુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયી પોપને મળ્યા હતા. જ્યારે PM મોદી 2021 માં G20 સમિટ માટે રોમની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ પોપ ફ્રાન્સિસને પણ મળ્યા હતા અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ વર્ષ 2016માં પણ ભારત આવવાના હતા પરંતુ તે થઈ શક્યું નહીં. પોપ ફ્રાન્સિસની વાત કરીએ તો તેમણે હજુ સુધી ભારતની મુલાકાત લીધી નથી. ભારતની મુલાકાત લેનારા છેલ્લા પોપ જ્હોન પોલ II હતા જેઓ એશિયામાં ચર્ચ પર એક પોપ દસ્તાવેજ બહાર પાડવા માટે 1999માં નવી દિલ્હી આવ્યા હતા.