હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં 31 જુલાઈના રોજ આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 45 લોકો ગુમ થયા છે. એવામાં હવે આ કુદરતના પ્રકોપના છ દિવસ બાદ ત્યાની સ્થિતિની તાગ મેળવવા અને જરૂરિયાતમંદની મદદ કરવા માટે અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત હિમાચલ પ્રદેશ પહોંચી છે.
પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કંગના રામપુર પહોંચી
તાજેતરમાં જ શિમલા જિલ્લાના રામપુરમાં વાદળ ફાટવાને કારણે ભારે વિનાશ સર્જાયો હતો. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કંગના રનૌત તેની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન તેણે પીડિત લોકોની ચિંતા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી અને તેમને યોગ્ય મદદની ખાતરી આપી હતી. તેમજ પૂરના કારણે રોડ ક્ષતિગ્રસ્ત થયેલા હોવાથી કાર ઘણી દૂર ઊભી રાખવી પડી હોવાથી અસરગ્રસ્તો સુધી પહોંચવા માટે કંગના પગપાળા ગઈ હતી.
Today visiting flood hit areas in Himachal Pradesh. We are so vulnerable before this vast universe…. Oh goddess earth, mother of life be kind to us … pic.twitter.com/tJQmgFLXfx
— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024
આટલા દિવસ બાદ આવવાનું કારણ આપ્યું
31 જુલાઈના આવેલા પૂરના કારણે સર્જાયેલી તબાહીના તુરંત બાદ ન આવવાનું કારણ જણાવાતા કંગનાએ કહ્યું હતું કે ‘તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યે મને કહ્યું હતું કે હમણા હિમાચલ ન આવો. અહીં વાદળ ફાટવાના કારણે સ્થિતિ ગંભીર છે.’ જો કે કંગનાના આ નિવેદનની લોકોએ તેની આકરી ટીકા પણ કરી હતી.
પૂરમાં અત્યાર સુધીમાં 45 લોકો ગુમ થયા
મંડીના પધરના રામબન ગામમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની શોધખોળ ચાલુ છે. તેમજ રામપુરના સમેજ ગામમાં 36 લોકો ગુમ છે. જો કે, સતલજમાંથી 5 મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ તેમની ઓળખ થઈ નથી. જયારે કુલ્લુના નિરમંડમાં 5 લોકો ગુમ છે અને બે મૃતદેહ મળી આવ્યા છે. સાથે જ શ્રીખંડ મહાદેવમાં પણ બે લોકો ગુમ થયા છે.